નવી દિલ્હી: ચીનમાંથી ફેલાયેલા કોરોના વાયરસથી દુનિયાભરના અનેક દેશોમાં દહેશત છે. એવામાં ભારત પણ સતર્ક થઈ ગયું છે. મંગળવારે ઉત્તરપ્રદેશના નોઈડા અને આગરામાં કોરોના વાયરસથી પ્રભાવિત કેટલાક કેસો સામે આવ્યા છે. એવામાં સાવચેતીના ભાગરૂપે નોઈડાની જાણીતી શિવ નાડર સ્કૂલ 9 માર્ચ સુધી અને શ્રીરામ મિલેનિયમ સ્કૂલ ત્રણ દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે.


સ્કૂલ પ્રશાસનનું કહેવું છે કે, બે વિદ્યાર્થીઓ સહિત પાંચ લોકો બીમારીની તપાસના દાયરામાં છે અને તેમની તપાસ ગ્રેનોના જિમ્સ આર્યુર્વેદ કોલેજમાં ચાલી રહી છે.  જ્યારે બીજી તરફ તંત્રએ કોરોના વાયરસના ખતરનાને જોતા જિલ્લા તંત્રને એક હજારથી વધુ દેશી-વિદેશી કંપનીઓને એલર્ટ નોટિસ મોકલી છે.

વાસ્તવમાં, ઈટાલીથી આવેલા એક વ્યક્તિમાં કોરોના વાયરસની પુષ્ટી થઈ હતી અને તે વ્યક્તિએ આગ્રામાં પાર્ટી રાખી હતી. જેમાં આ સ્કૂલના બે બાળકો સહિત પાંચ લોકો સામેલ હતા.

પ્રાપ્ત જાણકારી અનુસાર નોઈડાની એક સ્કૂલમાં અભ્યાસ કરી રહેલા એક બાળકમાં કોરોના વાયરસના લક્ષણો દેખાયા હોવાની સૂચના હતી. અહેવાલ અનુસાર વિદ્યાર્થીના પિતા આ વાયરસથી પીડિત છે. આ વિદ્યાર્થીએ પોતાની બર્થડે પાર્ટીમાં સ્કૂલના અન્ય વિદ્યાર્થીઓને પણ બોલાવ્યા હતા. એવામાં અન્ય વિદ્યાર્થીઓમાં પણ આ વાયરસ ન ફેલાવ તે માટે સાવચેતીના ભાગરુપે સ્કૂલ બંધ રાખવામાં આવી છે.
ભારતમાં પણ ધીરેધીરે કોરોનાની અસર જોવા મળી રહી છે. કેરળમાં ત્રણ કેસ સામે આવ્યા હતા. જે બાદ રાજધાની દિલ્હી, હૈદરાબાદ, જયપુરમાં પણ કોરોના વાયરસના મામલા સામે આવ્યા છે.

આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યું, તેમણે કોરોના વાયરસને લઈ કરવામાં આવેલી તૈયારીની વ્યાપક સમીક્ષા કરી છે. અલગ-અલગ મંત્રાલય અને રાજ્ય સરકાર કામ કરી રહી છે. ભારતમાં આવતા લોકોના સ્ક્રીનિંગથી લઈ સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ગભરાવાની જરૂર નથી. આપણે એક સાથે કામ કરવાની જરૂર છે. આત્મ સુરક્ષા સુનિશ્ચિત કરવા નાના અને મહત્વપૂર્ણ ઉપાય કરવા જોઈએ.