નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીના લોકો માટે વધુ એક મોટી જાહેરાત કરી છે. અરવિંદ કેજરીવાલે 200 યૂનિટ સુધીની વીજળી ફ્રી કરી છે. જો 200 યૂનિટથી વધારે વપરાશ કરશો તો પહેલા માફક પુરુ બિલ ચુકવવું પડશે. કેજરીવાલે કહ્યું કે 2013થી પહેલા 200 યૂનિટ માટે 900 રૂપિયા આપવા પડતા હતા, હવે 200 યૂનિટ માટે પૈસા નહીં આપવા પડે.


કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં વીજળી કંપનીઓનું નુકસાન 17 ટકાથી ઘટીને 8 ટકા પર આવી ગયું છે. તેમણે કહ્યું કે, જે લોકો દિલ્હીમાં વીજળી 200 યૂનિટ સુધી વાપરે છે તેમણે પોતાની વીજળીનું બિલ આપવાની જરૂર નહીં પડે. તેમની વીજળીનાં બિલ માફ થશે. કેજરીવાલે કહ્યું કે, જો કોઈ પણ વ્યક્તિ 201 યૂનિટ વીજળી યૂઝ કરે છે તો તેણે પુરા પૈસા આપવા પડશે.

કેજરીવાલે કહ્યું, 'અમારી સરકારમાં દિલ્હીમાં વીજળી સસ્તી થઈ છે. પહેલા વીજળી કંપનીઓની હાલત ખરાબ હતી. પહેલા રેટ ગમે-તેમ વધતા હતા. સમગ્ર દેશમાં વીજળીનો રેટ વધ્યો અને દિલ્હીમાં ઓછો થયો છે. આ એક ચમત્કાર છે. દિલ્હીની વીજળી કંપનીઓનું નુકસાન ઓછું થયું છે, તેમની પાસે પૈસા છે અને તેમની સ્થિતિમાં સુધારો થયો છે.