Hijab Controversy: બિહારના મુખ્યમંત્રી Nitish Kumar ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. મહિલા ડોક્ટરના Hijab ખેંચવાના આરોપ બાદ જ્યારે તેઓ દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યા, ત્યારે મીડિયાએ તેમને માફી અંગે સવાલો કર્યા હતા. જોકે, મુખ્યમંત્રીએ આ ગંભીર મુદ્દા પર એક શબ્દ પણ ઉચ્ચાર્યો ન હતો. તેઓ માત્ર સ્મિત સાથે હાથ જોડીને પોતાની કારમાં બેસી ગયા હતા. આ ઘટનાનો Video સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
બિહારના રાજકારણમાં હાલમાં એક ઘટનાને કારણે ગરમાવો છે. મુખ્યમંત્રી નીતિશ કુમાર પર આરોપ છે કે તેમણે એક કાર્યક્રમ દરમિયાન મહિલા ડોક્ટરનો હિજાબ ખેંચ્યો હતો. આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર લોકો રોષે ભરાયા છે અને વિપક્ષી નેતાઓ તેમજ સામાજિક સંગઠનો મુખ્યમંત્રી પાસે માફીની માંગ કરી રહ્યા છે. આ હોબાળા વચ્ચે નીતિશ કુમારની પ્રતિક્રિયા જાણવા સૌ કોઈ આતુર હતા.
દિલ્હી એરપોર્ટ પર શું થયું?
આ વિવાદની વચ્ચે નીતિશ કુમાર દિલ્હીના પ્રવાસે પહોંચ્યા હતા. જેવા તેઓ એરપોર્ટથી બહાર નીકળ્યા, ત્યાં હાજર મીડિયાકર્મીઓએ તેમને ઘેરી લીધા હતા. પત્રકારોએ તેમને સીધો અને અણીયારો સવાલ પૂછ્યો હતો કે, "શું તમે આ ઘટના બદલ માફી માંગશો?" આશા હતી કે મુખ્યમંત્રી આ અંગે કોઈ સ્પષ્ટતા કરશે અથવા ખેદ વ્યક્ત કરશે.
પ્રશ્નો ટાળ્યા અને સ્મિત આપ્યું
જોકે, મુખ્યમંત્રીનું વર્તન જોઈને સૌ ચોંકી ગયા હતા. મીડિયાના વારંવારના પ્રશ્નો છતાં, તેમણે કોઈ પણ જવાબ આપવાનું ટાળ્યું હતું. તેઓ ચહેરા પર હળવું સ્મિત રાખીને ચૂપચાપ પોતાની કારમાં બેસી ગયા હતા અને હાથ જોડીને (નમસ્તેની મુદ્રામાં) ત્યાંથી રવાના થઈ ગયા હતા. કેમેરા સામે તેમનું આ મૌન અને બોડી લેંગ્વેજ હવે ચર્ચાનો વિષય બન્યું છે. લોકો સોશિયલ મીડિયા પર કહી રહ્યા છે કે આવા સંવેદનશીલ મુદ્દા પર મુખ્યમંત્રીનું મૌન યોગ્ય નથી.
વિપક્ષે સાધ્યું નિશાન
મુખ્યમંત્રીના આ વલણ બાદ રાજકીય આક્ષેપબાજી તેજ બની છે. વિરોધ પક્ષોનું કહેવું છે કે આ મામલો મહિલાઓના આત્મસન્માન અને ધાર્મિક લાગણીઓ સાથે જોડાયેલો છે, તેથી મુખ્યમંત્રીએ મૌન રહેવાને બદલે ખુલ્લેઆમ વાત કરવી જોઈએ અને માફી માંગવી જોઈએ. બીજી તરફ, સત્તાધારી પક્ષના સમર્થકો દાવો કરી રહ્યા છે કે આ ઘટનાને બિનજરૂરી રીતે રાજકીય રંગ આપવામાં આવી રહ્યો છે.