West Bengal Panchayat Election Result: પશ્ચિમ બંગાળની પંચાયત ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ની જીત પર, મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બુધવારે (12 જુલાઈ) મતદારોનો આભાર માન્યો અને કહ્યું કે ભાજપ સતત જૂઠું બોલે છે. ટીએમસી ચીફ બેનર્જીએ બીજેપીનું નામ લીધા વગર ટોણો મારતા કહ્યું કે જે લોકો અમારો વિરોધ કરી રહ્યા છે અમે તેમનો આભાર માનીએ છીએ કારણ કે આમાં અમને જ ફાયદો થઈ રહ્યો છે. આ એજન્ટો અને એજન્સીઓથી દેશ ચાલતો નથી. હકીકતમાં, TMC અને અન્ય વિપક્ષી પાર્ટીઓ કેન્દ્ર સરકાર પર કેન્દ્રીય તપાસ એજન્સીઓના દુરુપયોગનો આરોપ લગાવી રહી છે.
મહાત્મા ગાંધી, સુભાષ ચંદ્ર બોઝ અને સ્વામી વિવેકાનંદનો ઉલ્લેખ કર્યો
મમતા બેનર્જીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, જો મેં કોઈ ગુનો કર્યો હોય તો જનતા મને સજા આપી શકે છે. હું કહેવા માંગુ છું કે જનતાએ મને આશીર્વાદ આપ્યા. અમે મહાત્મા ગાંધી, સુભાષ ચંદ્ર બોઝ અને સ્વામી વિવેકાનંદ જેવા લોકોના અનુયાયીઓ છીએ.
ભાજપ, કોંગ્રેસ અને ડાબેરીઓ પર હુમલો
બેનર્જીએ કહ્યું કે, જ્યારે અમે ત્રિપુરામાં હતા ત્યારે અમારા પર હુમલો કરવામાં આવ્યો હતો. મારા ભત્રીજા અભિષેક બેનર્જી પર અહીં હુમલો થયો હતો. અહીં ભાજપ સત્તામાં હતી, પરંતુ અમને ઉમેદવારી પણ નોંધાવવા દેવામાં આવી નહોતી. અહીં બે જિલ્લામાં હિંસા થઈ છે, પરંતુ આખા બંગાળની છબી ખરડાઈ રહી છે. તેંણે કહ્યું, બંગાળના નેતા (અધિર રંજન ચૌધરી) જે મુર્શિદાબાદના છે તે જાણે છે કે તે આવું કેમ કરી રહ્યા છે. આ તમામ રામ બામ શ્યામ (ભાજપ, ડાબેરી મોરચો અને કોંગ્રેસ) સાથે મળીને કામ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, ભાજપે પંચાયત ચૂંટણી દરમિયાન હિંસા માટે ટીએમસી પર આરોપ લગાવ્યો હતો.
બંગાળ પંચાયતની ચૂંટણીનું પરિણામ ?
પંચાયત ચૂંટણીમાં ટીએમસી બમ્પર જીત તરફ આગળ વધી રહી છે. બુધવારે સાંજે 4.30 વાગ્યા સુધીના રાજ્ય ચૂંટણી પંચ (SEC)ના ડેટા અનુસાર, TMCએ 63,229 ગ્રામ પંચાયત બેઠકોમાંથી 34,901 પર જીત મેળવી છે જ્યારે અન્ય 613 પર તેના ઉમેદવારો આગળ છે.
બીજા નંબર પર ચાલી રહેલી ભાજપે અત્યાર સુધીમાં 9 હજાર 719 સીટો જીતી છે અને 152 સીટો પર આગળ ચાલી રહી છે. જ્યારે સીપીઆઈએમને 2 હજાર 938 બેઠકો મળી છે. કોંગ્રેસ 2 હજાર 542 સીટો પર આવી ગઈ છે અને 66 પર આગળ ચાલી રહી છે.
પંચાયત સમિતિની 9 હજાર 278 બેઠકોમાંથી ટીએમસીએ 6 હજાર 430 બેઠકો જીતી છે અને ઉમેદવારો 193 પર આગળ ચાલી રહ્યા છે. જ્યારે ભાજપે 982 બેઠકો જીતી છે, જ્યારે તે 53 પર આગળ છે. સીપીઆઈએમ 176 અને કોંગ્રેસ 266 સીટો પર આવી ગઈ છે. ટીએમસી જિલ્લા પરિષદમાં પણ મોટી જીત તરફ આગળ વધી રહી છે. TMCએ 674 જિલ્લા પરિષદ બેઠકો જીતી છે અને 149 પર આગળ ચાલી રહી છે.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial