Yogi Adityanath Affidavit: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રથમવાર વિધાનસભાની ચૂંટણી લડવા જઇ રહ્યા છે. શુક્રવારે તેમણે ગોરખપુર શહેરથી ઉમેદવારીપત્ર ભર્યું હતું. ઉમેદવારીપત્ર ભરતા સમયે ફાઇલ કરવામાં આવેલા એફિડેવિટમા તેમણે પોતાની સંપત્તિની જાણકારી આપી હતી. જેમાં કહેવામાં આવ્યું છે કે તેમની પાસે 1.54 કરોડ રૂપિયાની સંપત્તિ છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું કે તેમના પર એક પણ ક્રિમિનલ કેસ દાખલ નથી.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના એફિડેવિટ અનુસાર તેમની પાસે કુલ એક કરોડ 54 લાખ 94 હજાર 54 રૂપિયાની સંપત્તિ છે. જેમાં એક લાખ રૂપિયા રોકડા છે. આ અગાઉ 2017માં જ્યારે યોગી આદિત્યનાથે વિધાન પરિષદની ચૂંટણી લડી હતી ત્યારે તેમણે પોતાની સંપત્તિ 95.98 લાખ રૂપિયા બતાવી હતી. પાંચ વર્ષમાં તેમની સંપત્તિ લગભગ 60 લાખ રૂપિયા વધી છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના દિલ્હી, લખનઉ અને ગોરખપુરની છ સ્થળો પર અલગ અલગ બેન્કોમાં 11 એકાઉન્ટ્સ છે. આ એકાઉન્ટ્સમાં એક કરોડ 13 લાખ 75 હજાર રૂપિયાથી વધુ જમા છે. તેમની પાસે જમીન કે ઘર નથી. પરંતું તેમની પાસે નેશનલ સેવિંગ સ્ક્રિમ્સ અને વીમા પોલિસી મારફતે 37.57 લાખ રૂપિયા છે.
યોગી આદિત્યનાથ પાસે 49 હજાર રૂપિયાના સોનાના કુંડળ છે. જેનું વજન 20 ગ્રામ છે. સાથે જ યોગી આદિત્યનાથ સોનાની ચેઇનમાં રુદ્રાક્ષમાળા પહેરે છે. જેની કિંમત 20 હજાર રૂપિયા છે જેનું વજન 10 ગ્રામ છે. મુખ્યમંત્રી યોગી પાસે 12 હજાર રૂપિયાનો એક ફોન છે. છેલ્લે તેમણે તેમની પાસે બે કાર હોવાની વાત કરી હતી પરંતુ આ વખતે તેમની પાસે એક કાર પણ નથી. યોગી આદિત્યનાથ પાસે એક લાખ રૂપિયાની રિવોલ્વર અને 80 હજાર રૂપિયાની રાઇફલ છે.