Uttar Pradesh Chief Minister : માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફ અહેમદની હત્યા બાદ ઉત્તર પ્રદેશની સરકારે આખા રાજ્યમાં કલમ 144 લાગુ કરી દીધી હતી. દરેક જગ્યાએ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. યુપીના સીએમ યોગી આદિત્યનાથે આ ઘટના બાદ તાબડતોબ બેઠક યોજીને તપાસના આદેશ આપ્યા હતા. ગુનેગારો પર ઝીરો ટોલરન્સની નીતિ અપનાવનારા સીએમ યોગી આ ઘટના પછી થોડા દિવસો સુધી શાંત રહ્યા બાદ હવે હુંકાર ભર્યો છે. યોગીએ હવે ફ્રંટ ફૂટ પર આવીને આ મામલે બેટિંગ કરવાનું શરૂ કરી દીધું છે. 


સીએમ યોગીના નિવાસસ્થાને મુલાકાતીઓ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પરંતુ વાતાવરણમાં પલટો આવતા જ સીએમ યોગી હવે અતિક અહેમદનું નામ લીધા વગર જ ખુલ્લેઆમ આતિક પર પ્રહારો કરવાના શરૂ કરી દીધા છે.


શામલીથી આપ્યો મોટો સંદેશ


ઉત્તર પ્રદેશના શામલીમાં મ્યુનિસિપલ ચૂંટણીના પ્રચાર દરમિયાન સીએમ યોગીએ સ્પષ્ટ રીતે કોઈનું નામ તો લીધું નહોતું. પરંતુ ગરમી હવે ટાઢી પડી ગઈ હોવાનું કહી દીધું હતું. ખાસ વાત એ છે કે, ગત વિધાનસભા ચૂંટણી દરમિયાન સીએમ યોગીએ શામલીમાં જ ગુનેગારોને ટાઢા પાડી દીધા હોવાનો હુંકાર ભર્યો હતો. તેમના નિવેદન બાદ વિપક્ષોએ તેમના પર પ્રહારો કર્યા હતાં, પરંતુ ગુનાખોરી અને ગુનેગારો પર તેમની કઠોર છબીએ તેમને ફરીથી રાજ્યની સત્તા અપાવી હતી. હવે જ્યારે 2024ની લોકસભાની ચૂંટણી નજીકમાં જ છે ત્યારે યોગીના ગરમી શાંત કરી દીધાનું નિવેદન આપી મોટો દાવ ચાલી દીધો છે.


અતીકનું નામ તો ના લીધું પણ કર્યા જોરદાર પ્રહાર


શામલીમાં જનસભાને સંબોધતા યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, ઉત્તર પ્રદેશમાં માફિયાઓની ગરમી ટાઢી થઈ ગઈ છે. તેમના માટે આંસુ વહાવનાર કોઈ નથી રહ્યું. સીએમ યોગીના આ નિવેદનને માફિયા અતીક અહેમદ સાથે જોડવામાં આવી રહ્યું છે. સીએમ યોગી  સારી રીતે જાણે છે કે, તેમની અને ભાજપની યુએસપી સાથે ચૂંટણીમાં જવું જોઈએ. તેમને ગુનેગારો સામે યોગીની આકરી છબી અને બુલડોઝર બાબાનો ટેગ મળ્યો છે. આ સ્થિતિમાં યોગીએ નાગરિક ચૂંટણીમાં આ જ દાવ ખેલી દીધો છે અને તેની શરૂઆત એ જ શામલીથી થઈ છે, જ્યાં તેમણે ગુનેગારોની ગરમીને ટાઢી પાડી દીધી હોવાનું નિવેદન આપ્યું છે.


વેઈટ એન્ડ વોચ બાદ યોગી બન્યા આક્રમક


માફિયા અતીકની હત્યા બાદ યુપીમાં પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. દરેક જગ્યાએ પોલીસ બંદોબસ્ત હતો. વહીવટીતંત્રને ડર હતો કે, બેકાબૂ તત્વો રાજ્યનું વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરી શકે છે. પરંતુ રાજ્ય સરકારની વહીવટી કડકતા અને ત્વરિત કાર્યવાહી બાદ ક્યાંય કોઈ ગડબડ જોવા મળી નથી. વેઈટ એન્ડ વૉચનો અંત આવતાં સીએમ યોગી સક્રિય થઈ ગયા છે. તેમણે અતીકનું નામ લીધા વિના એક તીર વડે અનેક નિશાન સાધ્યા હતાં. તેમણે કહ્યું હતું કે, યુવાનોના હાથમાં ટેબલેટ હોવું જોઈએ બંદૂક નહીં. એટલું જ નહીં, તેમણે આગામી સમયમાં પણ આ પ્રકારની કાર્યવાહી યથાવત રહેશે તેવી માફિયાઓને ચેતવણી પણ આપી દીધી છે. તેમણે કહ્યું હતું કે, શોહદોનો આતંક કાબૂમાં આવી ગયો છે અને હવે કોઈ વેપારીઓ પાસેથી ખંડણીની માંગણી કરતું નથી. હવે ટેક્સ વસૂલનારા ગુંડાઓની ગરમી ટાઢી પડી ગઈ છે.


શું છે યોગીના ફ્રંટ ફૂટ પર રમવાનું કારણ? 


યોગીએ શામલીમાં વિપક્ષી નેતા અખિલેશ યાદવને પણ ઘેર્યા હતા. તેમણે કહ્યું હતું કે, આજે કોઈ કર્ફ્યુ નથી, તોફાનો નથી, બધું બરાબર છે. કાવડ યાત્રા નીકળી રહી છે. તેમણે અખિલેશનું નામ લીધા વગર નિશાન સાધ્યું હરું. તેમણે કહ્યું હતું કે, કર્ફ્યુ લગાવનારા પણ આવ્યા હશે અને આવશે. તમારો મત માંગશે. તેમના શબ્દો પર વિશ્વાસ ના કરતા. સીએમ યોગી સારી રીતે જાણે છે કે, રાજ્યના લોકો તેમની આકરી છબીને પસંદ કરે છે. અખિલેશ યાદવનું નામ લીધા વિના લાદવામાં આવેલા કર્ફ્યુનો ઉલ્લેખ કરીને યોગીએ કહ્યું હતું કે, તેઓ આટલેથી પણ અટકવાના નથી. 


ઉલ્લેખનીય છે કે, ઉમેશ પાલ હત્યા કેસમાં અતીક અહેમદની પત્ની શાઇસ્તા પરવીન અને શૂટર ગુડ્ડુ મુસ્લિમ હજુ પણ ફરાર છે. આ મામલામાં સામેલ અતીકનો પુત્ર અસદ પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે. દરમિયાન, STF ચીફ અમિતાભ યશે કહ્યું છે કે, શાઇસ્તા અને ગુડ્ડુને પણ જલ્દી પકડવામાં આવશે.