બિહારઃ કોકાકોલા કરશે 11000 કરોડ રૂપિયાનું રોકાણ, લીચી ખેડૂતોને થશે ફાયદો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 14 Feb 2020 08:08 PM (IST)
બિહારના કૃષિ મંત્રી પ્રેમ કુમારે ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, આ યોજના હેઠળ લગભગ 80 હજાર લીચી ઉત્પાદક ખેડૂતોને ટ્રેનિંગ આપવામાં આવશે
પટણાઃ બિહારમાં કોકાકોલા (ઇન્ડિયા)કંપની 11 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરશે. જેનાથી રાજ્યમાં લીચી ઉત્પાદન કરતા ખેડૂતોને ખૂબ ફાયદો થઇ શકે છે. આ માટે ઉન્નત લીચી પરિયોજનાની શરૂઆત કોકાકોલા (ઇન્ડિયા) કંપની, રાષ્ટ્રીય લિચી સંશોધન કેન્દ્ર અને કંન્ટ્રીસાઇડ (બિહારની એક સંસ્થા)એ સાથે મળીને શરૂ કર્યો છે. બિહારના કૃષિ મંત્રી પ્રેમ કુમારે ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, આ યોજના હેઠળ લગભગ 80 હજાર લીચી ઉત્પાદક ખેડૂતોને ટ્રેનિંગ આપવામાં આવશે તથા 3000 એકરમાં જૂના લીચી બગીચાઓને ફરીથી શરૂ કરવામાં આવ શે. આ સાથે જ નવી ટેકનોલોજીથી લીચી માટે નવા બાગ બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, આ યોજના હેઠળ કંપની મુઝફ્ફરપુર, સમસ્તીરપુર અને વૈશાલી જિલ્લામાં લીચીનું ઉત્પાદન વધારવાનું કામ કરશે. આ સાથે લીચી ખેડૂતો અને આ વ્યવસાય સાથે જોડાયેલા લોકોના વિકાસ માટે કામ કરવામાં આવશે. કૃષિમંત્રી પ્રેમ કુમારે કહ્યું કે, મુઝફ્ફરપુરમાં લીચીનો એક આધુનિક બાગ બનાવવામાં આવશે જ્યાં ખેડૂતોને આધુનિક ટ્રેનિંગ અપાશે. આ યોજનામાં કોકા કોલા ઇન્ડિયા 11000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે.