ઉમર અબ્દુલ્લાની અટકાયતનો આધાર શું? બહેનની અરજી પર SCએ સરકારને આપી નોટિસ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 14 Feb 2020 04:59 PM (IST)
સારાએ પોતાના ભાઇને પબ્લિક સેફ્ટી એક્ટ હેઠળ અટકાયત કરવાને ગેરકાયદેસર ગણાવ્યું છે
નવી દિલ્હીઃ નેશનલ કોન્ફરન્સ નેતા ઉમર અબ્દુલ્લાની અટકાયત પર સુપ્રીમ કોર્ટે જમ્મુ કાશ્મીર વહીવટીતંત્ર પાસે જવાબ માંગ્યો છે. ઉમરની અટકાયત વિરુદ્ધ તેમની બહેન સારા અબ્દુલ્લા પાયલટે કોર્ટમાં અરજી દાખલ કરી છે. સારાએ પોતાના ભાઇને પબ્લિક સેફ્ટી એક્ટ હેઠળ અટકાયત કરવાને ગેરકાયદેસર ગણાવ્યું છે. જસ્ટિસ અરુણ મિશ્રા અને ઇન્દિરા બેનર્જીની બેન્ચ સમક્ષ સારા તરફથી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે દલીલો રજૂ કરી હતી. સિબ્બલે કહ્યું કે, ઉમર છેલ્લા છ મહિનાથી અટકાયતમાં છે. તેમની અટકાયત પાંચ ફેબ્રુઆરીએ ખત્મ થવાની હતી પરંતુ તે અગાઉ પીએસએ હેઠળ તેમની અટકાયત કરી લેવાઇ હતી. જેના પર જસ્ટિસ મિશ્રાએ પૂછ્યું હતું કે, શું તમે અથવા કોઇ અન્યએ આ મામલા પર જમ્મુ કાશ્મીર હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે. સિબ્બલના ઇનકાર બાદ કોર્ટે અરજી પર નોટિસ જાહેર કરી હતી. આ કેસની આગામી સુનાવણી 2 માર્ચના રોજ થશે.