Uttarakhand Latest News:  ઉત્તરાખંડમાં વિધાનસભા ચૂંટણીમાં મુખ્યમંત્રીનો ચહેરો રહેલા કર્નલ અજય કોઠીયાલે બુધવારે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે ટ્વીટ કરીને પોતાના રાજીનામાની માહિતી આપી છે. તેમણે પોતાના રાજીનામાનો પત્ર ટ્વિટર પર શેર કર્યો હતો. જેમાં લખ્યું હતું કે ભૂતપૂર્વ સૈનિકો, પૂર્વ અર્ધસૈનિકો, વૃદ્ધો, મહિલાઓ, યુવાનો અને બુદ્ધિજીવીઓની ભાવનાઓને ધ્યાનમાં રાખીને હું આમ આદમી પાર્ટીના સભ્યપદેથી રાજીનામું આપી રહ્યો છું.






 વિધાનસભા ચૂંટણી પહેલા કર્નલ અજય કોઠીયાલ 20 એપ્રિલ 2021ના રોજ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. 2022ની વિધાનસભા ચૂંટણીમાં ઉત્તરાખંડમાં 300 યુનિટ મફત વીજળી આપવાના વચન સાથે આમ આદમી પાર્ટીએ ભારતીય સૈન્યના નિવૃત્ત અધિકારી કર્નલ અજય કોઠીયાલને રાજ્યમાં તેમના મુખ્યમંત્રી ચહેરા તરીકે જાહેર કર્યા હતા.


 ચૂંટણી બાદ આમ આદમી પાર્ટીમાં પણ બળવો થશે તેવા એંધાણ હતા. વિધાનસભા ચૂંટણી દરમિયાન પ્રતાપનગરથી AAPના ઉમેદવાર સાગર ભંડારીએ કર્નલ અજય કોઠીયાલ પર ગંભીર આરોપો લગાવ્યા હતા. સાગર ભંડારીએ ઉત્તરાખંડમાં આમ આદમી પાર્ટીની હાર માટે કર્નલ અજય કોઠિયાલને જવાબદાર ઠેરવ્યા હતા.


 સાગર ભંડારીએ કહ્યું છે કે રાજ્યમાં આમ આદમી પાર્ટીને મોટી હારનો સામનો કરવો પડ્યો છે. પરંતુ કોઈ જવાબદાર નેતાએ હારની જવાબદારી લીધી નથી. તેમણે કહ્યું, રાજ્યમાં કર્નલ કોઠીયાલના નામ પર ચૂંટણી લડવામાં આવી હતી. દરેક બેનરમાં તેમનો ફોટો હતો. તેથી તેમણે હારની જવાબદારી પણ લેવી જોઈએ. પરંતુ આજ સુધી તેમણે આ વાત ન તો મીડિયા સામે કરી છે અને ન તો કોઈ પાર્ટી સામે. કાર્યકરોએ કહ્યું હતું કે હારની જવાબદારી પોતે લે છે. જ્યારે ચૂંટણીમાં  હાર બાદ અન્ય પક્ષોમાં પણ અનેક નેતાઓએ રાજીનામા પણ આપી દીધા છે.