Comedian Kunal Kamra News: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને શિવસેનાના વડા એકનાથ શિંદે પર કરેલી ટિપ્પણી બદલ કોમેડિયન કુણાલ કામરાએ ટ્રાન્ઝિટ આગોતરા જામીન માટે મદ્રાસ હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે. કુણાલ કામરાએ તેમના શોમાં એકનાથ શિંદે વિશે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી બાદ, મુંબઈની ખાર પોલીસે તેમની વિરુદ્ધ FIR દાખલ કરી છે. હવે તેમણે પોતાની વિરુદ્ધની આ FIRના સંદર્ભમાં મદ્રાસ હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે.
મળતી માહિતી મુજબ, કુણાલ કામરાએ ગુરુવારે મોડી રાત્રે હાઇકોર્ટ સમક્ષ ઇ-ફાઇલિંગ દ્વારા અરજી દાખલ કરી છે. કુણાલ કામરાએ આ સમય દરમિયાન દલીલ કરી છે કે તે તેના પર લાગેલા ગુનાઓમાં નિર્દોષ છે અને તેને આ કેસમાં ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે. સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરા કહે છે કે તાજેતરના વિવાદ પછી તેમનો જીવ જોખમમાં છે. તેમણે કહ્યું, "હું વિલ્લુપુરમ (તમિલનાડુ) નો રહેવાસી છું. જો હું મુંબઈ પાછો આવીશ તો મુંબઈ પોલીસ મારી ધરપકડ કરશે, મારા જીવને શિવસેનાના કાર્યકરોથી ખતરો છે." કુણાલ કામરાએ મદ્રાસ હાઈકોર્ટમાંથી ટ્રાન્ઝિટ આગોતરા જામીનની અરજી કરી છે. કોર્ટે બપોરે અરજી પર સુનાવણી કરવા સંમતિ આપી છે.
શું છે આખો મામલો?
વાસ્તવમાં, કોમેડિયન કુણાલ કામરાએ તેમના એક શોમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર કટાક્ષ કર્યો હતો. કુણાલ કામરાએ ગાવાના અંદાજમાં કહ્યું હતું કે, "થાને કી રિક્ષા, ચહેરે પે દાઢી, આંખો મે ચશ્મા, હાય... , એક ઝલક દિખલાએ કભી, ગુવાહાટી મેં છુપ જાએ. મેરી નજર સે તુમ દેખો, ગદ્દાર નજર વો આએ..." તેમનો કટાક્ષ શિવસેના (UBT) સાંસદ સંજય રાઉતે x પર પોસ્ટ કર્યો હતો. આ પછી હંગામો મચી ગયો.
આવી સ્થિતિમાં, એકનાથ શિંદે જૂથ કામરાના નિવેદનથી ગુસ્સે થયું અને તેમની ઓફિસની બહાર વિરોધ પ્રદર્શન પણ કર્યું અનેહોટલમાં તોડફોડ કરવામાં આવી હતી અને હવે કામરા સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. જોકે, આ પહેલી વાર નથી જ્યારે કુણાલ કામરા પોતાના નિવેદનોને કારણે વિવાદમાં આવ્યા હોય.
અમે આ સહન નહીં કરીએ - સીએમ ફડણવીસ
રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ આ વિવાદ પર નિવેદન આપ્યું હતું. ફડણવીસે કહ્યું, "જે રીતે સ્ટેન્ડ-અપ કોમેડિયન કામરાએ એકનાથ શિંદેનું અપમાન કરવાનો પ્રયાસ કર્યો છે તે ખોટું છે. અમે આ સહન કરીશું નહીં. લોકોએ 2024 ની વિધાનસભા ચૂંટણીમાં અમને મત આપ્યો છે અને ટેકો આપ્યો છે. જે લોકો ગદ્દાર હતા તેમને લોકોએ ઘરે મોકલી દીધા છે. બાળાસાહેબ ઠાકરેના આદેશ અને વિચારધારાનું અપમાન કરનારાઓને લોકોએ તેમનું સ્થાન બતાવી દીધું છે."