હૈદરાબાદ: કૉંગ્રેસના વરિષ્ઠ નેતા વી હનુમંત રાવે સોમવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત સામે ફરિયાદ નોંધાવી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે સંઘના નેતાએ એમ કહીને લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે કે તમામ 130 કરોડ ભારતીય હિન્દુ છે.


RSS ચીફ ભાગવતે 25 ડિસેમ્બરે હૈદરાબાદમાં એક જાહેર સભામાં કહ્યું હતું કે ધર્મ અને સંસ્કૃતિને ધ્યાનમાં લીધા વિના, જે લોકો રાષ્ટ્રવાદી ભાવના ધરાવે છે અને ભારતની સંસ્કૃતિ અને તેના વારસોને માન આપે છે તે હિન્દુ છે અને આરએસએસ દેશના 130 કરોડ લોકોને હિન્દુ માને છે.

રાજ્યસભાના પૂર્વ સભ્ય, રાવે પોતાની ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, ભાગવતના નિવેદનથી મુસ્લિમો, ખ્રિસ્તીઓ, શીખ, પારસીઓ વગેરેની ભાવનાઓ અને માન્યતાઓને નુકસાન થયું નથી, પરંતુ તે ભારતીય બંધારણની મૂળ ભાવના વિરુદ્ધ પણ છે.

તેમણે આ મામલે વધુમાં જણાવ્યું કે, તેનાથી જનતાની વચ્ચે સાંપ્રદાયિક તણાવ વધશે અને હૈદરાબાદમાં કાયદો અને વ્યવસ્થાની પણ સમસ્યા ઉભી થઇ શકે છે. એલબી નગર પોલીસ સ્ટેશનના નિરીક્ષક અશોક રેડ્ડીએ જણાવ્યું કે, તેમને કોંગ્રેસી નેતાની ફરિયાદ મળી છે. આ સંદર્ભમાં કાયદાકીય સલાહ લેવામાં આવી રહી છે જો કે, આ મામલે હજી કોઇપણ પ્રકારની કાર્યવાહી કરાઇ નથી.