Karnatala Assembly Election : કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે બાદ હવે તેમના પુત્ર પ્રિયંક ખડગેએ પણ પીએમ મોદી પર વાંધાજનક ટિપ્પણી કરી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 'ઝેરી સાપ' ગણાવ્યા હતાં. મલ્લિકાર્જુન ખડગેની આ ટિપ્પણીને લઈને વિવાદ શાંત નથી થયો ત્યારે હવે તેમના પુત્રએ વિવાદાસ્પદ નિવેદન આપતા હોબાળો મચી જવા પામ્યો છે.
પ્રિયંક ભૂતપૂર્વ પ્રધાન રહી ચૂક્યા છે અને આ વખતે કર્ણાટકના કાલબુર્ગી જિલ્લાના ચિત્તપુર વિધાનસભા મતવિસ્તારમાંથી ફરી ચૂંટણી લડી રહ્યાં છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન અને તેમની પાર્ટીએ અનુસૂચિત જાતિ સમુદાય માટે અનામતને લઈને ભ્રમણા ઉભી કરી છે. હવે મલ્લિકાર્જુન ખડગે કે જેઓ કોંગ્રેસના અધ્યક પણ છે. તેમના પુત્ર પ્રિયંક ખડગેએ વડાપ્રધાનને 'નાલાયક' ગણાવ્યા છે.
પ્રિયંકે પીએમ મોદીને લઈને કહ્યું કે...
પ્રિયંક ખડગેએ લોકોને કહ્યું હતું કે, “જ્યારે પીએમ મોદી ગુલબર્ગ (કલબુર્ગી) આવ્યા ત્યારે તેમણે બંજારા સમુદાયના લોકોને શું કહ્યું? તમે બધા ડરશો નહીં. બંજારાનો એક પુત્ર દિલ્હીમાં બેઠો છે. જો આવો નાલાયક દીકરો દિલ્હીમાં બેઠો હશે તો તમે તમારો પરિવાર કેવી રીતે ચલાવશો?"
"પ્રધાનમંત્રીએ અનામતને લઈને ભ્રમ ઉભો કર્યો"
કોંગ્રેસ અધ્યક્ષના પુત્ર પ્રિયાંક ખડગેએ વધુમાં કહ્યું હતું કે, અમે જે કહીએ છીએ તે એ છે કે તેમણે (વડાપ્રધાન) પોતાને બંજારા સમુદાયના પુત્ર તરીકે રજૂ કર્યા અને આરક્ષણ અંગે ભ્રમણા ઉભી કરી. શું બંજારા સમુદાય સાથે અન્યાય થયો ન હતો? શિકારીપુરા (શિવમોગા જિલ્લો) ) યેદિયુરપ્પાના ઘર પર શા માટે પથ્થરમારો કરવામાં આવ્યો? કલબુર્ગી અને જેવરગીમાં શા માટે બંધ પાળવામાં આવ્યો? આજે અનામતને લઈને મૂંઝવણ ઉભી થઈ છે.
પ્રિયંક, જે સિદ્ધારમૈયા સરકારમાં મંત્રી હતા તેમણે કહ્યું હતું કે, "વડાપ્રધાને તેમની છેલ્લી મુલાકાત દરમિયાન કહ્યું હતું કે, તેઓ કોળી સમુદાય અને કબાલિગા અને કુરુબા સમુદાયના પુત્ર છે. આજે તેઓ પોતાને બંજારા સમુદાયનો પુત્ર કહે છે.
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પ્રિયાંકના પિતા અને કોંગ્રેસના દિગ્ગજ નેતા મલ્લિકાર્જુન ખડગેએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને વાંધાજનક ટિપ્પણી કરી હતી. તેમણે પીએમ મોદીને ઝેરીલા સાપ ગણાવ્યા હતાં. જેનો પીએમ મોદીએ વળતો જવાબ આપ્યો હતો.