નવી દિલ્હી: ફ્રાન્સથી આવેલા પાંચ રાફેલ ફાઇટર જેટ ભારતના અંબાલા એરબેઝ પર પહોંચી ગયા છે. ત્યારે કૉંગ્રેસે પણ સ્વાગત કર્યું અને સાથે કહ્યું કે, દરેક દેશભક્તે એ પૂછવું જોઈએ કે, 526 કરોડ રૂપિયાના વિમાન 1670 કરોડ રૂપિયામાં કેમ ખરીદ્યા.

પાર્ટીના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કરીને કહ્યું, “રાફેલનું ભારતમાં સ્વાગત છે ! વાયુસેનાના બહાદુર લડવૈયાઓને શુભેચ્છા” તેમણે કહ્યું કે, “આજે દરેક દેશભક્તે પૂછવું જોઈએ કે 526 કરોડ રૂપિયાનો એક રાફેલ અત્યારે 1670 કરોડ રૂપિયામાં કેમ ? 126 રાફેલની જગ્યાએ 36 રાફેલ જ કેમ ? મેક ઈન ઈન્ડિયાના બદલે મેક ઈન ફ્રાન્સ કેમ ? પાંચ વર્ષનો સમય કેમ લાગ્યો ?”



ફ્રાન્સના બંદરગાહ શહેર બોર્ડેઓસ્કમાં મેરીગ્નેક વાયુસેના એરબેઝ પરથી સોમવારે રવાના થયેલા પાંચ રાફેલ વિમાનોનો પહેલો જથ્થો આજે અંબાલા એરબેઝ પર પહોંચી ચૂક્યો છે. અહીં એરફોર્સ ચીફ આરકેએસ ભદૌરિયાએ એક ઔપચારિક સમારોહમાં આ વિમાનોને રિસીવ કર્યા હતા. વિમાનો લેન્ડ થતાંની સાથેજ વોટર સેલ્યૂટ આપવામાં આવ્યું.

રક્ષા મંત્રી રાજનાથ સિંહે ટ્વીટ કરી કહ્યું કે, રાફેલ વિમાનોનું ભારતમાં આવવું આપણા સૈન્ય ઈતિહાસમાં એક નવા યુગની શરૂઆત છે. મને ખુશી છે કે, ભારતીય વાયુ સેનાની યુદ્ધની ક્ષમતા પર યોગ્ય સમયે મજબૂતી મળી છે.