Uttarakhand Election 2022: કૉંગ્રેસે સોમવારે ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી માટે 11 ઉમેદવારોની યાદી જાહેર કરી. આ યાદીમાં પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવત (Harish Rawat) અને તાજેતરમાં કોંગ્રેસમાં જોડાયેલા હરક સિંહ રાવતની પુત્રવધૂ અનુકૃતિ ગુસાઈ(Anukriti Gusain Rawat) રાવતનું નામ પણ છે. હરીશ રાવત રામનગરથી ચૂંટણી લડશે. અનુકૃતિને લેન્સડાઉનથી ટિકિટ આપવામાં આવી છે.આપને જણાવી દઈએ કે હરક સિંહ રાવત તાજેતરમાં ભાજપમાંથી હાંકી કાઢ્યા બાદ કોંગ્રેસમાં પરત ફર્યા છે. હરક રાવત અને તેમના પુત્રવધૂ 21 જાન્યુઆરીએ કોંગ્રેસમાં જોડાયા હતા.
આ પહેલા ઉત્તરાખંડમાં એક ઓડિયો વાયરલ થઈ રહ્યો હતો. આ કથિત ઓડિયોમાં કોંગ્રેસના મહાસચિવ અને પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવત રામનગર બેઠક પરથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે. રાજ્યની રચના બાદ 2002માં પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા નારાયણ દત્ત તિવારી દ્વારા પણ રામનગર બેઠકનું પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું છે.
વાયરલ ઓડિયો અંગે જ્યારે હરીશ રાવતના મીડિયા સલાહકાર સુરેન્દ્ર કુમારનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે ચૂંટણી લડવા અથવા અન્ય વિષયો પર ઘણી વાતચીત અને પરામર્શ થાય છે અને તેને રાજકીય દૃષ્ટિકોણથી જોવું જોઈએ નહીં.
11 ઉમેદવારોની યાદી સાથે કોંગ્રેસે ઉત્તરાખંડમાં અત્યાર સુધીમાં 64 ઉમેદવારોની જાહેરાત કરી છે. હવે તેણે વધુ છ બેઠકો માટે ઉમેદવારો જાહેર કરવાના છે. કોંગ્રેસે શનિવારે ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી માટે 53 ઉમેદવારોની તેની પ્રથમ યાદી બહાર પાડી હતી, જેમાં પાર્ટીના રાજ્ય એકમના પ્રમુખ ગણેશ ગોડિયાલ અને ધારાસભ્ય દળના નેતા પ્રિતમ સિંહના નામનો સમાવેશ થાય છે.
સમાજવાદી પાર્ટીએ 159 ઉમેદવારોની યાદી જાહેર કરી
ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી(UP Election 2022)ને લઈ સમાજવાદી પાર્ટીએ પોતાના 159 ઉમેદવારોની યાદી(SP Candidates List) જાહેર કરી છે. આ સાથે જ અખિલેશ યાદવ(Akhilesh yadav)ની સીટ પણ ફાઈનલ થઈ ગઈ છે. સપાના સુપ્રીમો અખિલેશ યાદવ મૈનપુરીની કરહાલ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે. અખિલેશ યાદવની ઉમેદવારોની પ્રથમ યાદીએ બધાને ચોંકાવ્યા છે. આ યાદીમાં સપાના સાંસદ આઝમ ખાનને રામપુર સીટથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ સિવાય સપાએ સ્વાર વિધાનસભા બેઠક પરથી આઝમ ખાનના પુત્ર અબ્દુલ્લા આઝમને ટિકિટ આપી છે.
યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ મૈનપુરીની કરહાલ સીટ પરથી ચૂંટણી લડશે. આ સાથે સહારનપુરની બેહત સીટથી ઉમર અલી ખાન, નકુડથી ધરમ સિંહ સૈની, સહારનપુર નગરથી સંજય ગર્ગ, સહારનપુર દેહતથી આશુ મલિક, દેવબંદથી કાર્તિકેય રાણા, શામલીથી નાહીદ હસન, મુરાદાબાદથી કમલ અખ્તર અને અન્ય ઘણા દિગ્ગજ મેદાનમાં છે.