Congress Candidates List 2024: લોકસભા ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. 7 માર્ચે યોજાયેલી કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં ઘણા મોટા નામો નક્કી કરવામાં આવ્યા હતા. કોંગ્રેસે શુક્રવારે (8 માર્ચ) પ્રથમ ઉમેદવારોની યાદી જાહેર કરીને આને મંજૂરી આપી દીધી છે. કેરળની વાયનાડ લોકસભા સીટ પરથી કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
વાયનાડથી રાહુલ ગાંધી, તિરુવનંતપુરમથી શશિ થરૂર ચૂંટણી લડશે
કોંગ્રેસની પ્રથમ યાદીમાં 39 નામ સામે આવ્યા છે. આમાં વાયનાડથી રાહુલ ગાંધી, તિરુવનંતપુરમથી શશિ થરૂર, રાજનાંદગાંવથી ભૂપેશ બઘેલ, મેઘાલયથી વિન્સેન્ટ પાલા અને ત્રિપુરા પશ્ચિમથી આશિષ સાહાના નામ સામે આવ્યા છે.
39 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા
કોંગ્રેસના 39 ઉમેદવારોની આ પ્રથમ યાદીમાં 15 ઉમેદવારો સામાન્ય વર્ગના છે, જ્યારે 24 ઉમેદવારો પછાત, દલિત, આદિવાસી અને લઘુમતી સમુદાયના છે. તમને જણાવી દઈએ કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં CECની બેઠકમાં 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની લોકસભા સીટો પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં દિલ્હી, કર્ણાટક, કેરળ, છત્તીસગઢ, તેલંગાણા, સિક્કિમ, ત્રિપુરા, નાગાલેન્ડ, મણિપુર, મેઘાલય અને લક્ષદ્વીપની લોકસભા સીટોનો સમાવેશ થાય છે. તેમાંથી હવે 39 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. હાલમાં, બાકીની બેઠકો માટેના ઉમેદવારોના નામને લઈને મંથન ચાલી રહ્યું છે અને એવું માનવામાં આવે છે કે આગામી દિવસોમાં પાર્ટી ટૂંક સમયમાં તેની બીજી યાદી જાહેર કરશે. તમને જણાવી દઈએ કે, બીજેપીએ 2 માર્ચે 16 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં 195 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. ભાજપની યાદીના 5 દિવસ બાદ કોંગ્રેસની પ્રથમ યાદી આવી છે. તો યાદી જાહેર કરતા કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું કે જો સરકાર બનશે તો અમે તમામ વચનો પૂરા કરીશું. અમે તેલંગાણા અને કર્ણાટકમાં આને પૂર્ણ કરી રહ્યા છીએ.