તેલંગણામાં કોંગ્રેસે ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. રવિવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ખમ્મમમાં જનસભાને સંબોધિત કરી અને રાજ્યની કેસીઆર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલે તેલંગણાના લોકોને ગેરન્ટી આપી અને કોગ્રેસની સરકાર બન્યા બાદ દર મહિને 4000 રૂપિયા પેન્શન આપવાની જાહેરાત કરી છે. તેલંગણામાં કોંગ્રેસની ગેરંટીનું નામ 'ચેયુથા' રાખવામાં આવ્યું છે.






રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, જો તેલંગણામાં કોંગ્રેસની સરકાર બનશે તો વૃદ્ધો, વિધવા મહિલાઓ, વિકલાંગો, બીડી કામદારો, હેન્ડલૂમ કામદારો, એઇડ્સ પીડિતો, પાયલેરિયા અને ડાયાલિસિસના દર્દીઓને 4000 રૂપિયા પેન્શન આપવામાં આવશે. અહીં આદિવાસીઓને 'પોડુ' જમીન આપવામાં આવશે.






'KCRનું રિમોટ કંટ્રોલ મોદીના હાથમાં'


રાહુલે કે. ચંદ્રશેખરની BRS સરકાર પર નિશાન સાધ્યું હતું.. તેમણે કહ્યું કે, કોંગ્રેસ સંસદમાં ભાજપની વિરુદ્ધ ઉભી હતી, પરંતુ ટીઆરએસ અને તેલંગણાના મુખ્યમંત્રીએ ભાજપની બી-ટીમ તરીકે કામ કર્યું. જ્યારે અમે કિસાન બિલનો મુદ્દો ઉઠાવ્યો ત્યારે TRSએ સંસદમાં ભાજપને સંપૂર્ણ મદદ કરી હતી.  નરેન્દ્ર મોદી જે ઈચ્છે તે તમારા સીએમ કરે છે કારણ કે નરેન્દ્ર મોદીના હાથમાં તેલંગણાના મુખ્યમંત્રીનું રિમોટ કંટ્રોલ છે. તેલંગણાના મુખ્યમંત્રીએ ભ્રષ્ટાચારમાં કોઈ કસર છોડી નથી. તેમણે કલેશ્વરમ પ્રોજેક્ટમાં રૂ. 1 લાખ કરોડ છીનવી લીધા છે.


'રાજ્ય સરકારે ગરીબો અને મજૂરોના સપનાઓને ચકનાચૂર કર્યા'


રાહુલે કહ્યું હતું કે , 'ભારત જોડો યાત્રા'માં તમે મને કહ્યું હતું કે સીએમ કેવી રીતે ધરણી પોર્ટલ પરથી તમારી જમીન છીનવી રહ્યાં છે. તેલંગણાના મુખ્યમંત્રીએ ખેડૂતો, દલિતો, યુવાનો, આદિવાસીઓના તમામ પૈસા છીનવી લીધા છે. તેલંગણા ગરીબો, ખેડૂતો અને મજૂરોનું સપનું હતું, જેને TRSએ કચડી નાખ્યું અને પછી તેનું નામ પણ બદલી નાખ્યું. હવે TRSનું નવું નામ BRS એટલે કે 'BJP રિલેટિવ કમિટી' છે.


'કોંગ્રેસ તમને તમારો અધિકાર અપાવશે'


તેમણે કહ્યું હતું કે, તેલંગણાના સીએમ વિચારે છે કે તેઓ તેલંગણાના રાજા છે. જે જમીન ઈન્દિરા અમ્મા અને કોંગ્રેસે દલિતો, આદિવાસીઓ અને ગરીબોને આપી હતી તેને ટીઆરએસ પાછી લઇ રહી છે પરંતુ કોંગ્રેસ આ જમીન અને તમારો અધિકાર તમને પરત કરશે.


'આ લડાઈ ભાજપની બી ટીમ સાથે છે'


રાહુલે કહ્યું, તેલંગણામાં ભાજપ નથી, તેઓ તેની ગેરહાજરી અનુભવી શકતા નથી. પહેલા લોકો કહેતા હતા કે તેલંગણામાં બીઆરએસ, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે લડાઈ છે. પરંતુ હવે રાજ્યમાં ભાજપ સમાપ્ત થઈ ગયું છે અને તેના ચારેય ટાયર પંચર થઈ ગયા છે. હવે તેલંગણામાં કોંગ્રેસ અને ભાજપની બી-ટીમ વચ્ચે જંગ છે. દિલ્હીમાં વિપક્ષી પાર્ટીની બેઠક મળી હતી, વિરોધ પક્ષના નેતાઓએ કહ્યું કે BRS અને કોંગ્રેસ સાથે આવશે. અમે તેમને કહ્યું કે જો બીઆરએસને બોલાવવામાં આવશે તો અમે બેઠકમાં હાજર રહીશું નહીં. અમે ભાજપની બી ટીમને હરાવીશું, અમે તેમની સાથે કોઈ ગઠબંધન નહીં કરીએ.


'કર્ણાટકમાં હરાવ્યા, હવે તેલંગણામાં પણ હરાવીશું'


થોડા મહિના પહેલા અમે કર્ણાટકમાં લડ્યા હતા. ગરીબ વિરોધી અને ભ્રષ્ટ સરકાર પણ હતી. કોંગ્રેસે તે સરકારને હરાવી. કર્ણાટકના દરેક ગરીબ કોંગ્રેસની સાથે ઉભા છે. એક તરફ ભાજપ અને તેના અબજોપતિ સમર્થકો હતા. બીજી તરફ ગરીબો, ખેડૂતો, દલિતો, આદિવાસીઓ અને લઘુમતીઓ હતા. તેલંગણામાં પણ આવું જ થવાનું છે. એક તરફ સીએમ, તેમનો પરિવાર અને તેમના 10-15 મિત્રો છે અને બીજી બાજુ ખેડૂતો, મજૂરો, આદિવાસીઓ, ગરીબ અને નબળા લોકો છે. જે રીતે અમે કર્ણાટકમાં બીજેપીને હરાવ્યું તે રીતે અમે તેલંગણામાં તેની બી-ટીમને હરાવીશું.