નવી દિલ્હી: કૉંગ્રેસ પાર્ટી 10 ઓગસ્ટના પોતાના નવા અધ્યક્ષની પસંદગી કરી શકે છે. આ દિવસે સવારે 11 વાગ્યે દિલ્હીના કૉંગ્રેસ મુખ્યાલયમાં પાર્ટીની વર્કિંગ કમિટીની બેઠક થશે. આ બેઠકમાં કોંગ્રેસનાં નવા અધ્યક્ષની પસંદગી મામલે મોટો નિર્ણય લેવાય તેવી શક્યતા છે. પાર્ટીના સૂત્રો અનુસાર આ બેઠકમાં રાહુલ ગાંધીનુ રાજીનામુ મંજૂર કરવામાં આવશે અને સાથે જ એ નક્કી થશે કે પાર્ટીની કમાન હવે કોણ સંભાળશે.


કોંગ્રેસમાં પ્રિયંકા ગાંધી વાડ્રાને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવાની માગ વધી રહી છે. જો કે પ્રિયંકા ગાંધીએ તેનો ઇન્કાર કર્યો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે પ્રિયંકા ગાંધીએ પક્ષનાં સિનીયર નેતાઓને સાફ કહી દીધું છે કે તેઓ વિકલ્પ નથી.

ઉલ્લેખનિય છે કે રાહુલ ગાંધીનો દર વખતે આગ્રહ હોય છે કે નવા અધ્યક્ષની પસંદગી માટે લોકશાહી પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે. તેમજ ચૂંટણી કરીને જ નવા અધ્યક્ષની પસંદગી કરવામાં આવે. બેઠકમાં થોડા સમય માટે અથવાતો ચૂંટણી કરાવવા માટે એક અસ્થાયી અધ્યક્ષની પસંદગી કરવામાં આવે છે. આ બેઠકમાં અમુક નેતાઓનું ગૃપ બનાવવા માટે પણ વિચાર કરવામાં આવી શકે છે. હકીકતે રાહુલ ગાંધીએ જ્યારે પત્ર લખ્યો હતો ત્યારે પણ ગૃપ બનાવીને જ નવા અધ્યક્ષની પસંદગી કરવાની વાત કરી હતી.