નવી દિલ્હી: કૉંગ્રેસે પોતાના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેને કર્ણાટકથી રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવાર બનાવ્યા છે. પાર્ટી મહાસચિવ મુકુલ વાસનિક તરફથી શુક્રવારે જાહેર કરવામાં આવેલા નિવેદન મુજબ કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ઉમેદવારી માટે પૂર્વ કેંદ્રીય મંત્રી ખડગેના નામને મંજૂરી આપી છે.


મલ્લિકાર્જુન ખડગે ગત લોકસભામાં કૉંગ્રેસના સદનમાં નેતા હતા. તેઓ 2019માં લોકસભા ચૂંટણી હારી ગયા હતા. કર્ણાટકમાં રાજ્યસભાની ચાર બેઠકો માટે 19 જૂને ચૂંટણી યોજાવાની છે.કૉંગ્રેસના હાલના રાજ્યસભા સદસ્યો એમવી રાજીવ ગૌડા અને બીકે હરિપ્રસાદનો કાર્યકાળ 25 જૂને સમાપ્ત થઈ રહ્યો છે. ચૂંટણી માટે નામાંકનની અંતિમ તારીખ 9 જૂન છે.

કર્ણાટકમાં કૉંગ્રેસની સરકારમાં મંત્રી રહી ચૂકેલા 77 વર્ષના ખડગે પ્રદેશ કૉંગ્રેસ કમિટીના અધ્યક્ષ અને વિધાનસભામાં નેતા વિપક્ષની જવાબદારી નિભાવી ચૂક્યા છે. તેમના પુત્ર પ્રિયંક ખડગે વર્તમાનમાં ધારાસભ્ય છે.

રાજ્ય વિધાનસભાની હાલની સંખ્યાના આધાર પર કૉંગ્રેસને ચારમાંથી માત્ર એક બેઠક મળે તેવી લાગી રહ્યું છે. કૉંગ્રેસ પાસે 68 ધારાસભ્યો છે. ભાજપના ખાતમાં બે બેઠકો જવાનું નક્કી છે. તેમની પાસે 117 ધારાસભ્યો છે. ચોથી બેઠક માટે ચૂંટણી થાય તેવી શક્યતા છે. જો કૉંગ્રેસ અને જનતા દળ સાથે પોતાના ઉમેદવાર ઉભા રાખશે તો ચોથી બેઠક તેમના ખાતામાં આવી શકે છે. જનતા દળના ધારાસભ્યોની સંખ્યા 34 છે.