Agnipath Scheme: કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજના વિરુદ્ધ કૉંગ્રેસ દિલ્હીના જંતર-મંતર પર 'સત્યાગ્રહ' કરી રહી છે. હવે પાર્ટીએ દેશભરમાં પ્રેસ કોન્ફરન્સ અને વિરોધ પ્રદર્શન કરવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસ આજથી બે દિવસ માટે દેશના 20 શહેરોમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરશે. કોંગ્રેસનો આ મેગા પ્લાન મોદી સરકારને ઘેરવાનો પ્રયાસ માનવામાં આવી રહ્યો છે. પાર્ટી આજે 20 મોટા શહેરોમાં રાષ્ટ્રીય પ્રવક્તાઓની ફોજ ઉતારવા જઈ રહી છે.
એક રિપોર્ટ અનુસાર, રાષ્ટ્રીય પ્રવક્તાઓની ફોજ અગ્નિપથને યુવાનો સાથે વિશ્વાસઘાત ગણાવીને મોદી સરકાર પર પ્રહાર કરશે. આવતીકાલે પાર્ટી કાર્યકર્તાઓ શેરીઓમાં ઉતરશે અને દેશભરની દરેક વિધાનસભામાં અગ્નિપથ યોજનાનો વિરોધ કરશે. કોંગ્રેસ અગ્નિપથ યોજના અને મહિનાના છેલ્લા રવિવારે યોજાનાર વડાપ્રધાનના ‘મન કી બાત’ કાર્યક્રમને નિશાન બનાવીને આજે લખનઉમાં પાર્ટીના મોટા નેતાઓ 20 શહેરોમાં પ્રેસ કોન્ફરન્સ કરશે. મળતી માહિતી અનુસાર, લખનઉમાં અજય માકન, દેહરાદૂનમાં માનવેન્દ્ર સિંહ, જયપુરમાં દીપેન્દ્ર હુડ્ડા, ચેન્નઈમાં ગૌરવ ગોગોઈ, પટનામાં કન્હૈયા કુમાર, શિમલામાં આલોક શર્મા સહિતઅન્ય ઘણા લોકો સામેલ છે.
કેન્દ્ર સરકારે અગ્નિપથ યોજના પરત લેવી પડશેઃ રાહુલ ગાંધી
ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીની EDની પૂછપરછના મુદ્દાને લઈને કોંગ્રેસ નેતાઓ અને કાર્યકરોએ ગત સપ્તાહે દિલ્હીમાં પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ ગત રવિવાર અને સોમવારે દિલ્હીના જંતર-મંતર પર ધરણા કર્યા હતા. EDની તપાસ પૂરી થયા બાદ રાહુલ ગાંધીએ પાર્ટીના કાર્યકરો સાથે મુલાકાત કરી હતી અને અગ્નિપથ યોજનાને યુવાનો અને દેશ અને સેના માટે વિશ્વાસઘાત ગણાવી અને કહ્યું હતું કે સરકારે યોજનાને પરત લેવી પડશે.