Siddaramaiah Cabinet Meeting Decision: કર્ણાટકની સિદ્ધારમૈયા સરકારે આજે એક પછી એક નિર્ણયો પલટવાની વણઝાર સર્જી દીધી હતી. કર્ણાટક કેબિનેટની બેઠકમાં ભાજપના શાસન દરમિયાન લાવવામાં આવેલા ધર્માંતરણ વિરોધી કાયદાને રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સાથે કર્ણાટકના અભ્યાસક્રમમાંથી કેબી હેડગેવાર સંબંધિત ચેપ્ટરને પણ પાઠ્યપુસ્તકમાંથી હટાવી દેવાના નિર્ણયને પણ મંજૂરી આપવામાં આવી હતી.


કર્ણાટકના શિક્ષણ મંત્રી મધુ બંગરપ્પાએ કહ્યું હતું કે, કર્ણાટક કેબિનેટે શાળાના પાઠ્યપુસ્તકોમાંથી RSSના સ્થાપક કેશવ બળીરામ હેડગેવાર અને અન્યો સાથે સંબંધિત પ્રકરણો હટાવવાનો નિર્ણય લીધો છે. ગયા વર્ષે તેઓએ (અગાઉની સરકારે) જે પણ ફેરફારો કર્યા હતા તે અમે બદલ્યા છે. સાવિત્રીબાઈ ફૂલે, ઈન્દિરા ગાંધીને નેહરુના પત્રો અને બીઆર આંબેડકર પરની કવિતાનો અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવશે.


કર્ણાટકમાં ધર્માંતરણ વિરોધી કાયદો રદ કરાયો


કાયદા અને સંસદીય બાબતોના પ્રધાન એચકે પાટીલે જણાવ્યું હતું કે, કર્ણાટક કેબિનેટે અગાઉની ભાજપ સરકાર દ્વારા લાવવામાં આવેલા ધર્માંતરણ વિરોધી કાયદાને રદ કરવાનો નિર્ણય લીધો છે. અમે જે બિલ લાવી રહ્યા છીએ તે બંધારણ મુજબ હશે. રાજ્ય કેબિનેટે શાળા અને કોલેજોમાં પ્રાર્થના સાથે બંધારણની પ્રસ્તાવના વાંચવાનું ફરજિયાત બનાવવાનો નિર્ણય લીધો છે.


તેમણે માહિતી આપી હતી કે, કર્ણાટક કેબિનેટે જૂના કાયદાને પાછો લાવવા માટે રાજ્યમાં APMC એક્ટમાં સુધારો કરવાનો પણ નિર્ણય લીધો છે. આજે કેબિનેટની બેઠકમાં પાઠ્યપુસ્તકોના સુધારા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.


ભાજપે કર્યા આકરા પ્રહારો


ધર્મ પરિવર્તન પર સિદ્ધારમૈયા સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણય પર ભાજપ દ્વારા તીખી ટિપ્પણી કરવામાં આવી છે. કર્ણાટકના પૂર્વ શિક્ષણ મંત્રી અને બીજેપી નેતા બીસી નાગેશે કહ્યું હતું કે, તેઓ (કોંગ્રેસ) મુસ્લિમોના વોટ ઈચ્છે છે. સિદ્ધારમૈયાની સરકાર હિન્દુ વિરોધી છે. તેઓ હિજાબને ફરીથી રજૂ કરી શકે છે. તેઓ લઘુમતી મતોને આકર્ષવા માગે છે અને દરેક બાબતે રાજનીતિકરણ કરવા માગે છે.


Karnataka Cabinet: કર્ણાટક કેબિનેટે કૉંગ્રેસની પાંચ ગેરંટી પર મોહર લગાવી, મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ જાણો શું કહ્યું ?


કર્ણાટક સરકારની કેબિનેટની શુક્રવારે (2 જૂન) બેઠક યોજાઈ હતી. આ બેઠક પછી  મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું કે કોંગ્રેસ દ્વારા ચૂંટણી દરમિયાન અને તે પહેલાં આપવામાં આવેલા તમામ પાંચ વચનો (5 ગેરંટી) આ નાણાકીય વર્ષમાં લાગુ કરવામાં આવશે. તેમણે કહ્યું, આજે અમારી કેબિનેટની બેઠક હતી. તમામ 5 વચનોની ઊંડી ચર્ચા કરી છે. અમે નક્કી કર્યું છે કે અમે ચાલુ નાણાકીય વર્ષમાં તમામ પાંચ ગેરંટીનો અમલ કરીશું. 


સીએમ સિદ્ધારમૈયાએ કહ્યું, અમારા (કર્ણાટક) પ્રમુખ ડીકે શિવકુમાર અને મેં ગેરંટી કાર્ડ પર હસ્તાક્ષર કર્યા હતા અને વચન આપ્યું હતું કે અમે તમામ વચનોનો અમલ કરીશું અને તે લોકો સુધી પહોંચે તેની ખાતરી કરીશું. અમે ગેરંટી કાર્ડનું પણ વિતરણ કર્યું.