Wrestler Protest: રેસલર્સે ગયા મહિને ભારતીય રેસલિંગ એસોસિએશનના પૂર્વ ચીફ બ્રિજ ભૂષણ શરણ સિંહ પર જાતીય શોષણનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ દિલ્હી પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. દિલ્હી પોલીસે આ કેસમાં 15 જૂને રાઉઝ એવન્યૂ કોર્ટમાં 1000 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી.










બીજી તરફ પૉક્સો કેસમાં બ્રિજ ભૂષણ શરણ સિંહને મોટી રાહત મળી હતી. દિલ્હી પોલીસે પટિયાલા હાઉસ કોર્ટમાં POCSO કેસમાં ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો છે. આ રિપોર્ટમાં દિલ્હી પોલીસે કહ્યું હતું કે આ કેસમાં તેમની વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા નથી, તેથી અમે આ કેસની તપાસ બંધ કરી રહ્યા છીએ. પોલીસ રિપોર્ટની નોંધ લેતા કોર્ટે કેસની આગામી સુનાવણી 4 જૂલાઈના રોજ કરશે.






દિલ્હી પોલીસે ગુરુવારે બ્રિજ ભૂષણ શરણ સિંહ વિરુદ્ધ સાત કુસ્તીબાજો દ્વારા લગાવવામાં આવેલા જાતીય સતામણીના આરોપો પર બે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. 6 મહિલા કુસ્તીબાજોની ફરિયાદ પર નોંધાયેલા કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. જ્યારે બીજી ચાર્જશીટ સગીરાની ફરિયાદ પર નોંધાયેલા કેસમાં પટિયાલા હાઉસ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. સગીરા દ્વારા લગાવવામાં આવેલા આરોપોમાં દિલ્હી પોલીસે બ્રિજ ભૂષણને ક્લીનચીટ આપી દીધી છે.






બ્રિજ ભૂષણ સામે જાતીય શોષણનો કેસ દાખલ કરનાર સગીર રેસલરે પોતાનું નિવેદન બદલી નાખ્યું હતું. અગાઉ પોતાના નિવેદનમાં સગીરાએ બ્રિજ ભૂષણ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો, હવે તેણે પોતાનું નિવેદન બદલીને કુસ્તી સંઘના પૂર્વ પ્રમુખ પર ભેદભાવનો આરોપ લગાવ્યો હતો.






મેજિસ્ટ્રેટ સમક્ષ આપેલા પોતાના પહેલા નિવેદનમાં સગીરાએ જાતીય  વાત કરી હતી. બીજા નિવેદનમાં સગીરાએ જાતીય શોષણના આરોપને પરત ખેંચ્યા હતા અને કહ્યું હતું કે મારી પસંદગી કરવામાં આવી ન હતી, મેં ખૂબ મહેનત કરી હતી, હું ડિપ્રેશનમાં હતી, તેથી ગુસ્સામાં મેં જાતીય શોષણનો કેસ નોંધાવ્યો હતો.