કોંગ્રેસ નેતા અલ્કા લાંબાએ એક અહેવાલના આધારે વિવાદિત ટ્વિટ કર્યુ હતું. આ ટ્વિટમાં ઉન્નાવ રેપ કાંડમાં ઉમરકેદની સજા કાપી રહેલા બીજેપી ધારાસભ્યના જામીનનો દાવો કર્યો હતો. તેણે ટ્વિટમાં લખ્યું હતું જે બળાત્કારીઓ (BJP નેતા) પર સીએમ યોગી, એમપી સાક્ષી, ગૃહમંત્રી શાહ અને પીએમ મોદીના આશીર્વાદ હોય તેને કોઈ પણ અદાલત વધારે સમય સુધી જેલના સળિયા પાછળ ન રાખી શકે.
આ ઉપરાંત તેણે હાઈકોર્ટ પર નિશાન સાધીને લખ્યું હતું કે, હાઇકોર્ટના જજે આમ કરીને બસ પોતાનો જીવ બચાવ્યો છે. મહિલા મંત્રી સ્મૃતિ ઇરાની પર ટિપ્પણી કરીને લાંબાએ લખ્યું કે, તમારા આ નેતાની મુક્તિ માટે મુબારક. આ ટ્વિટમાં તેણે પીએમ મોદી અને યુપીના સીએમને લઈ અમર્યાદિત ટિપ્પણી પણ કરી હતી. જે બાદ તે સતત સોશિયલ મીડિયામાં ટ્રોલર્સના નિશાન પર છે.
ઉન્નાવ દુષ્કર્મ કેસમાં સજા કાપી રહેલા ભાજપના પૂર્વ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરની પુત્રીએ કોંગ્રેસ નેતા અલ્કા લાંબા સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં તેની સામે આઈટી એક્ટ ઉલ્લંઘન, માનસિક ત્રાસ અને માનહાનિનો કેસ દાખલ કરવામાં આવે તેમ જણાવાયું છે.