Agneepath Scheme: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મનીષ તિવારીએ નરેન્દ્ર મોદી સરકારની અગ્નિપથ યોજનાના વખાણ કર્યા છે. કોંગ્રેસના નેતાએ આ યોજનાને 'સાચી દિશામાં લેવામાં આવેલુ પગલું' ગણાવ્યું છે. એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં મનીષ તિવારીએ કહ્યું હતું કે આજના યુગમાં તમારે મોબાઈલ આર્મી, યુવા સેનાની જરૂર છે. તમારે ટેક્નોલોજી અને હથિયારો પર વધુ ખર્ચ કરવો પડશે. જ્યાં સુધી તમારી સેના ખૂબ મોટી ન થાય ત્યાં સુધી આ બનશે નહીં. તેમાં જ સૌથી વધુ પૈસા ખર્ચવામાં આવે છે.






શું કહ્યું કોંગ્રેસના નેતાએ?


મોદી સરકારની આ યોજનાનો દેશના ઘણા ભાગોમાં વિરોધ થઈ રહ્યો છે.અસદુદ્દીન ઓવૈસી અને કોંગ્રેસ પાર્ટીએ પણ તેનો વિરોધ કર્યો છે. કોંગ્રેસે આ યોજનાને સુરક્ષા દળો સાથે સમાધાન ગણાવ્યુ હતુ. પરંતુ પાર્ટીના વલણથી અલગ મનીષ તિવારીએ કહ્યું કે અહીં એક વધુ મહત્વની અને મોટી બાબત એ છે કે છેલ્લા દાયકાઓમાં યુદ્ધના સ્વરૂપમાં આવેલો બદલાવ છે.


તિવારીએ કહ્યું, જો તમે ત્રણ દાયકા પાછળ જઇને સુરક્ષા દળોને જુઓ, તો તમારે મોબાઇલ અભિયાન દળની જરૂર છે, જે ટેક્નોલોજી આધારિત છે, અદ્યતન શસ્ત્રો ધરાવે છે અને યુવા પણ છે. તેથી તે સ્થિતિમાં તે ખૂબ જ જરૂરી સુધારો છે. તિવારીએ વધુમાં કહ્યું કે તમને ગમે કે ન ગમે, વન રેન્ક વન પેન્શન યોજનાના કારણે વધી રહેલું પેન્શન બિલ સરકારની ગણતરીમાં આવ્યું હશે.


આ યોજનાને કારણે યુવાનોમાં ગુસ્સો હોવાનું સ્વીકારતા તિવારીએ કહ્યું કે કેન્દ્રીય સુરક્ષા દળ એ રોજગાર ગેરંટી કાર્યક્રમ નથી. તેમ છતાં સરકારે વર્તમાન સંજોગો અનુસાર આયોજન કરવું જોઈએ જેથી કરીને અગ્નિવીર જ્યારે તેમની ચાર વર્ષની સેવા પૂરી કરે ત્યારે તેમને અર્ધલશ્કરી દળો અને રાજ્ય પોલીસમાં રોજગારીની તકો મળે.


શું છે અગ્નિપથ યોજના


આ નવી યોજના હેઠળ હવે સાડા 17 વર્ષથી 21 વર્ષના યુવાનોને માત્ર ચાર વર્ષ માટે જ સેનામાં ભરતી કરવામાં આવશે. તેનું નામ અગ્નિવીર રાખવામાં આવ્યું છે. દર વર્ષે સેનાની ત્રણેય પાંખમાં લગભગ 50 હજાર અગ્નિવીરોની ભરતી કરવામાં આવશે. આ નવા પગલાથી ભારતીય સેનાની સરેરાશ ઉંમર 32 વર્ષથી ઘટાડીને 26 વર્ષ કરવામાં આવશે. પેન્શનનો ખર્ચ પણ ઘણી હદે બચશે. એટલે કે તેમાં આધુનિકીકરણ પણ છે અને પૈસાની બચત પણ થાય છે.