નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને આવતીકાલે ED દ્વારા ફરી પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. પરંતુ રાહુલ ગાંધીએ તપાસ મોકૂફ રાખવાની અપીલ કરી છે. તેમના તરફથી અરજીમાં કહેવામાં આવ્યું છે કે તપાસ સોમવાર સુધી સ્થગિત કરવામાં આવે. અત્યાર સુધી EDએ આ માંગ પર કોઈ જવાબ આપ્યો નથી.






નોંધનીય છે કે નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધીની ત્રણ દિવસ સુધી પૂછપરછ કરવામાં આવી છે. બુધવારે પણ EDએ તેમની 10 કલાકથી વધુ પૂછપરછ કરી હતી. રાહુલ ગાંધીને શુક્રવારે ફરીવાર પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. પરંતુ રાહુલ ગાંધીએ શુક્રવારના બદલે સોમવારે પૂછપરછ માટે બોલાવવાની વિનંતી કરી છે. તેમની અપીલ સ્વીકારવામાં આવે છે કે ફગાવી દેવામાં આવે છે તે થોડા સમયમાં સ્પષ્ટ થઇ જશે.


બીજી તરફ રાહુલ ગાંધી શા માટે તપાસ મોકૂફ રાખવા માંગે છે, તે હજુ સ્પષ્ટ થયું નથી. તેમના તરફથી આ સંબંધમાં EDને કોઈ કારણ આપવામાં આવ્યું નથી. ત્રણ દિવસમાં ઈડીએ કોંગ્રેસના નેતાને અનેક સવાલો પૂછ્યા છે. કોલકાતાની તે ડોટેક્સ કંપનીને લઈને પણ અનેક સવાલો ઉભા થયા છે. તે કંપની વિશે કહેવામાં આવી રહ્યું છે કે તેણે વર્ષ 2010માં યંગ ઈન્ડિયાને એક કરોડ રૂપિયાની લોન આપી હતી. ભાજપનો આરોપ છે કે યંગ ઈન્ડિયાએ ક્યારેય તે લોન ચૂકવી નથી.


બીજી તરફ કોગ્રેસના કાર્યકરોએ દેશભરમાં ઇડીની તપાસના વિરુદ્ધમાં પ્રદર્શન કર્યું હતું.  જ્યારથી રાહુલ ગાંધીની EDની પૂછપરછ શરૂ થઈ છે ત્યારથી કોંગ્રેસના કાર્યકરોએ રસ્તા પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.