ચંદિગઢ:  ચરણજીત સિંહ ચન્ની પંજાબના નવા મુખ્યમંત્રી બન્યા છે. આવતીકાલે કેપ્ટન અમરિંદર સિંહે રાજીનામું આપ્યું હતું. મુખ્યમંત્રીની રેસમાં રંધાવા આગળ હતા પરંતુ અચાનક જ ચરણજીત સિંહ ચન્નીના નામની જાહેરાત કરવામાં આવી છે. ચન્ની દલિત સમાજમાંથી આવે છે. કેપ્ટન સરકારમાં તેઓ મંત્રી હતા. 



ચમકૌર વિધાનસભા બેઠકથી તેઓ ધારાસભ્ય છે. ચરણજીત સિંહ ચન્ની કેપ્ટન સરકારમાં શિક્ષણ અને પર્યટન મંત્રી હતા. પંજાબ વિધાનસભામાં વિપક્ષ નેતા રહી ચૂક્યા છે. 2017માં જ્યારે કેપ્ટન અમરિંદર સિંહના નેતૃત્વમાં કોંગ્રેસની સરકાર બની ત્યારે તેમને ટેકનિકલ શિક્ષણ અને ઈન્ડસ્ટ્રિયલ ટ્રેનિંગ મંત્રી બનાવવામાં આવ્યા હતા. ચન્નીએ અગ્રણી લોકોમાંના એક હતા જેમણે અમરિન્દર સિંહ સામે ઓગસ્ટમાં કરવામાં આવેલા બળવાનું નેતૃત્વ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે પંજાબના મુદ્દાઓને ઉકેલવા માટે અમને અમરિન્દર પર વિશ્વાસ નથી.


સૂત્રોના જણાવ્યા પ્રમાણે પંજાબ કોંગ્રેસમાં સુખજિંદર સિંહ રંધાવા (સુક્ખી)ના નામ પર સહમતિ બની ગઈ હતી પરંતુ નવજોત સિંહ સિદ્ધુને આ નામ રાજી નહોતા. નવજોત સિંહ સિદ્ધુએ પોતાનું નામ CM પદ માટે આગળ કર્યુ હતું પરંતુ પાર્ટી અધ્યક્ષ હોવાના કારણે હાઇકમાન્ડે તેમની આ વાત માની નહોતી.


ચન્નીના સહારે કોંગ્રેસે પંજાબમાં 35 ટકા દલિત વોટ બેન્ક પર નિશાનો સાધ્યો છે.  ભાજપે પણ દલિત CM બનાવાનો વાયદો આપ્યો હતો. આમ આદમી પાર્ટી દાવો કરતી હતી કે તેમણે પંજાબ વિધાન સભામાં દલિત નેતા હરપાલ ચીમાને વિપક્ષના નેતા બનાવ્યા છે. કોંગ્રેસે આ દાવથી દરેક દળોને રાજકીય રમતો બદલી નાંખી છે.


ઉલ્લેખનીય છે કે અંબિકા સોનીનું નામ પણ CMના પ્રમુખ દાવેદાર તરીકે પ્રકાશમાં આવ્યું હતું, જોકે તેમણે પોતે જ ઓફર ઠુકરાવી દીધી હતી. સાથે જ સલાહ આપી હતી કે પંજાબમાં CMનો ચહેરો કોઈ શીખ જ હોવો જોઈએ, નહિતર પંજાબમાં કોંગ્રેસ પડી શકે છે.