Congress President Election: કોંગ્રેસ પ્રમુખપદની ચૂંટણીમાં સાંસદ શશિ થરૂરના હરીફને લઈને સસ્પેન્સનો અંત આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ પણ કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવશે. અગાઉ વરિષ્ઠ નેતા અને સાંસદ શશિ થરૂરે પણ 30 સપ્ટેમ્બરે નામાંકન ભરવાની જાહેરાત કરી હતી.


કોંગ્રેસના સેન્ટ્રલ ઇલેક્શન ઓથોરિટીના અધ્યક્ષ મધુસૂદન મિસ્ત્રીએ કહ્યું હતું કે શશિ થરૂરના પ્રતિનિધિએ તેમને જાણ કરી છે કે તેઓ 30 સપ્ટેમ્બરે અધ્યક્ષ પદ માટે ઉમેદવારી પત્ર ભરશે. દરમિયાન બુધવારે (28 સપ્ટેમ્બર) રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ દિલ્હી આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગાંધી પરિવારની સ્પષ્ટ સંમતિ અને સમર્થન હોય ત્યારે જ ગેહલોત કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરશે.


દિગ્વિજય સિંહે ચૂંટણી લડવાના સંકેત આપ્યા


દિગ્વિજય સિંહે ગયા અઠવાડિયે જ કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી લડવાનો સંકેત આપ્યો હતો. ચૂંટણી લડવાના સવાલ પર તેમણે કહ્યું હતું કે જોઈએ શું થાય છે. દરેકને ચૂંટણી લડવાનો અધિકાર છે, 30 સપ્ટેમ્બર સુધીમાં તમને ખબર પડશે કે, હું ચૂંટણી લડું છું કે નહીં. સાથે જ તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી કોઈ પણ લડી શકે છે. ભૂતકાળમાં પણ પાર્ટીમાં ગાંધી પરિવારની બહાર પ્રમુખ રહી ચૂક્યા છે.


શશિ થરૂરને પ્રતિસ્પર્ધી મળશે


દિગ્વિજય સિંહના નોમિનેશન પછી સાંસદ શશિ થરૂરને પોતાનો પ્રતિસ્પર્ધી મળી જશે. અત્યાર સુધી માત્ર શશિ થરૂરે જ ઉમેદવારી પત્ર ભરવાની વાત કરી હતી. કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીને લઈને ચાલી રહેલા હંગામા વચ્ચે શશિ થરૂરે પણ બુધવારે ટ્વિટ કર્યું છે. તેમણે લખ્યું છે કે, "मैं अकेला ही चला था जानिब-ए-मंज़िल मगर, लोग साथ आते गए और कारवाँ बनता गया  - મજરૂહ સુલતાનપુરી."






આ પણ વાંચો......


PKL 2022: 7 ઓક્ટોમ્બરથી શરુ થશે પ્રો કબડ્ડી લીગ, જાણો 9મી સીઝનની ટીમો, લાઈવ સ્ટ્રીમ અને કાર્યક્રમ