કાશ્મીરઃ જમ્મુ કાશ્મીર કોગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા ગુલામ નબી આઝાદના ભત્રીજા મુબશર આઝાદ ભાજપમાં જોડાયા છે. મુશબર આઝાદ યુવા નેતા છે. આઝાદે કહ્યું કે જમ્મુ અને કાશ્મીર અને કેન્દ્રમાં વર્તમાન કોંગ્રેસ નેતૃત્વ દ્વારા તેમના કાકા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ગુલામ નબી આઝાદના અપમાનથી તેઓ ખૂબ જ દુઃખી થયા છે. આઝાદે કહ્યું કે વડાપ્રધાન મોદીએ પૂર્વ સીએમના પ્રયાસોની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીની અંદર સંપૂર્ણ રીતે સ્વાર્થી સંઘર્ષ છે. મોદીએ સામાન્ય જનતાનો વિશ્વાસ જીત્યો છે અને આ રીતે અમે સમાજ અને રાષ્ટ્રના હિતમાં મોદી અને ભાજપની સાથે ઊભા રહેવાનો સંકલ્પ લઈએ છીએ.
ઉલ્લેખનીય છે કે રવિવારે મુશબર જમ્મુના ત્રિકુટા સ્થિત બીજેપી હેડક્વાર્ટર પહોંચ્યા હતા અને સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા. જમ્મુ અને કાશ્મીર બીજેપી અધ્યક્ષ રવિન્દર રૈના અને પૂર્વ ધારાસભ્ય દલીપ પરિહાર અને બીજેપી એસટી મોરચાના અધ્યક્ષ હારૂન ચૌધરીએ મુબશર આઝાદને પાર્ટીની સદસ્યતા આપી હતી.
રવિન્દર રૈનાએ મુબશર આઝાદ તેમજ પક્ષમાં જોડાનારાઓનું સ્વાગત કર્યું હતું અને કહ્યું હતું કે કોંગ્રેસ, નેશનલ કોન્ફરન્સ અને પીડીપી જેવા પક્ષોએ સત્તાની લક્ઝરી માણવા સિવાય બીજું કંઈ કર્યું નથી. તેમણે કહ્યું કે માત્ર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારે જ જમ્મુ અને કાશ્મીરમાં લોકશાહીને પાયાના સ્તરે મજબૂત બનાવવા અને અહીં રહેતા દરેક સમુદાયને અધિકારો આપવામાં આવે તે માટે પગલા લીધા છે. રવિન્દર રૈનાએ જણાવ્યું હતું કે ભાજપ નેતૃત્વની નીતિઓની તમામ લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવી રહી છે
રૈનાએ કહ્યું કે મુબશર આઝાદના નેતૃત્વમાં આ નવા સભ્યો ડોડા, કિશ્તવાડ, રામબન અને અન્ય વિસ્તારોમાં પાર્ટીને મજબૂત કરશે. એટલું જ નહી જમ્મુ અને કાશ્મીરના સમગ્ર વિસ્તારના યુવાનોને રાષ્ટ્ર અને સમાજ માટે કામ કરવા માટે પ્રોત્સાહિત કરશે.