Rahul Gandhi House: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ટૂંક સમયમાં નવું ઘર મળી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રાહુલ ગાંધી માટે નવા ઘરની શોધ પૂરી થઈ ગઈ છે. તેઓ ટૂંક સમયમાં તેમાં શિફ્ટ થઈ શકે છે. રાહુલ ગાંધી જ્યાં શિફ્ટ થવા જઈ રહ્યા છે તે ઘર કોંગ્રેસના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી દિવંગત શીલા દીક્ષિતનું છે.
એવી સંભાવના છે કે રાહુલ ગાંધી ટૂંક સમયમાં શીલા દીક્ષિતના નિઝામુદ્દીન ઈસ્ટ બંગલોમાં શિફ્ટ થઈ શકે છે. અત્યાર સુધી આ ઘરમાં શીલા દીક્ષિતનો દીકરો સંદીપ દીક્ષિત રહેતો હતો, પરંતુ હવે તે તેની પાસેના તેની માસીના ઘરે શિફ્ટ થવા જઈ રહ્યો છે.
રાહુલ ગાંધીને બંગલો ગમ્યો છે - સૂત્રો
સૂત્રોના જણાવ્યા અનુસાર, રાહુલ ગાંધીને આ ઘર પસંદ આવ્યું છે અને તેઓ ભાડા પર રહેવા માટે પણ રાજી થયા છે. મતલબ કે રાહુલ ગાંધી હવે ભાડાના મકાનમાં રહેશે. રાજનીતિમાં આવ્યા બાદ આ પહેલીવાર હશે જ્યારે તેઓ ભાડાના મકાનમાં રહેવા જઈ રહ્યા છે. જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
સૂત્રોએ પુષ્ટિ કરી છે કે રાહુલ ગાંધીની ટીમ અઠવાડિયા પહેલા મકાન જોવા ગઈ હતી અને તેમને પણ તે ગમ્યું હતું. સંદીપ દીક્ષિત બીજા ઘરમાં જવાના હોવાથી રાહુલ ગાંધી હવે આ ઘરમાં શિફ્ટ થઈ શકે છે. હાલમાં અંતિમ નિર્ણય લેવાનો બાકી છે.
રાહુલ ગાંધીએ સરકારી મકાન ખાલી કર્યું હતું
તે જ વર્ષે ગુજરાતની કોર્ટે 2019માં મોદીની અટક અંગેના નિવેદન બદલ રાહુલ ગાંધીને ફોજદારી માનહાનિ માટે દોષિત ઠેરવ્યા હતા. કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની જેલની સજા સંભળાવી હતી, જે બાદ કોંગ્રેસ નેતાને લોકસભાની સદસ્યતા ગુમાવવી પડી હતી. લોકસભાની સદસ્યતા ગુમાવ્યા પછી, રાહુલ ગાંધીને તેમનું સત્તાવાર નિવાસસ્થાન ખાલી કરવાની નોટિસ મળી હતી, ત્યારબાદ તેમણે 12, તુગલક લેના બંગલો ખાલી કર્યો હતો. હાલમાં તેઓ તેમની માતા સોનિયા ગાંધી સાથે 10, જનપથ રોડ સ્થિત નિવાસસ્થાને રહે છે.