Lok Sabha Elections: લોકસભાની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. હજુ 2024 લોકસભાની ચૂંટણીની જાહેરાત નથી થઈ ત્યાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની ચૂંટણી લડવાને લઈને મોટી માહિતી સામે આવી છે. યુપી કોંગ્રેસના અધ્યક્ષ અજય રાયે જાહેરાત કરી છે કે, રાહુલ ગાંધી અમેઠીથી લોકસભા ચૂંટણી લડશે. 


તમામ પાર્ટીઓ 2024ની લોકસભા ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે. આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવ્યા છે. યુપી કોંગ્રેસના નવા અધ્યક્ષ અજય રાયે કહ્યું છે કે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી લડશે. તમને જણાવી દઈએ કે અમેઠી કોંગ્રેસની સીટ હતી, પરંતુ વર્ષ 2019ની ચૂંટણીમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસના ગઢમાં ગાબડુ પાડ્યું હતું. અમેઠી લોકસભા સીટ પરથી રાહુલ ગાંધીને સ્મૃતિ ઈરાનીએ હરાવ્યા હતા. અમેઠી લોકસભા બેઠક કોંગ્રેસની પારિવારિક બેઠક રહી છે. સંજય ગાંધી, પૂર્વ પીએમ રાજીવ ગાંધી, સોનિયા ગાંધી પણ આ બેઠક પરથી લોકસભા ચૂંટણી જીત્યા છે. આ સિવાય રાહુલ ગાંધી અમેઠી લોકસભા સીટથી સતત ત્રણ વખત સાંસદ પણ રહી ચુક્યા છે.


કોંગ્રેસે ગુરુવારે (17 ઓગસ્ટ) પાર્ટી સંગઠનમાં મોટો ફેરફાર કર્યો છે. પાર્ટીએ રણદીપ સુરજેવાલાને મધ્યપ્રદેશના સિનિયર ઓબ્ઝર્વર બનાવ્યા બાદ હવે રાજ્યના પ્રભારી મહાસચિવનો વધારાનો હવાલો આપ્યો છે. તો બીજી તરફ મુકુલ વાસનિકને ગુજરાતના પ્રભારી મહાસચિવના પદની જવાબદારી સોંપવામાં આવી છે. આ સિવાય બ્રિજલાલ ખાબરીના સ્થાને અજય રાયને ઉત્તર પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.


 






કોંગ્રેસમાં આ ફેરબદલ શા માટે ?
આ વર્ષના અંતમાં મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી છે. આવી સ્થિતિમાં સુરજેવાલાને જવાબદારી સોંપવી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ સિવાય આવતા વર્ષે લોકસભાની ચૂંટણી છે. ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો છે. તો બીજી તરફ ઉત્તર પ્રદેશમાં લોકસભાની 80 બેઠકો છે. આવી સ્થિતિમાં અજય રાયની નિયુક્તિ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમને જણાવી દઈએ કે, રાય 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે યુપીની વારાણસી બેઠક પરથી લડી ચુક્યા છે. જો કે, તેઓ બંને ચૂંટણી હારી ગયા હતા.



લોકસભાની ચૂંટણી પહેલા હવે કોંગ્રેસ ઉત્તર પ્રદેશમાં પણ સક્રિય જોવા મળી રહી છે. કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય અજય રાયને ઉત્તર પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. કોંગ્રેસ નેતા અજય રાયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે વારાણસીથી બે વખત લોકસભાની ચૂંટણી લડી છે. તેઓ પહેલા 2014માં અને પછી 2019માં ચૂંટણી લડ્યા હતા.