World Cup 2023: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રવિવારે વિશ્વ કપની ફાઈનલ યોજાવાની છે. જેને લઈને સમગ્રે દેશમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારતીય ટીમને ચારેકોરથી શુભકામના પાઠવવામાં આવી રહી છે. ક્યાંક પૂજા તો ક્યાંક હવન પણ કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન કોંગ્રેસ સંસદીય દળના નેતા સોનિયા ગાંધીએ ટીમ ઈન્ડિયાને શુભેચ્છા પાઠવી છે.
તેમણે કહ્યું કે, “મારા પ્રિય ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ, સૌ પ્રથમ, આ વિશ્વ કપ દરમિયાન તમારી રમત અને ટીમ વર્ક માટે તમને ખૂબ ખૂબ અભિનંદન. તમે સમગ્ર દેશને સતત ખુશી અને ગર્વની ક્ષણો આપી છે. આ વર્લ્ડ કપની ફાઈનલ સુધીની તમારી સફરમાં મોટા સંદેશા છે. તે સંદેશ એકતા, પરિશ્રમ અને સંકલ્પનો છે. હું ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને તેમના શાનદાર વ્યક્તિગત રેકોર્ડ માટે પણ અભિનંદન આપવા માંગુ છું.
આજે મને છેલ્લા બે પ્રસંગો યાદ આવે છે જ્યારે ભારતે પ્રથમ 1983માં અને પછી 2011માં વર્લ્ડ કપ ટ્રોફી જીતી હતી. તે બંને પ્રસંગોએ દેશ સન્માન અને ખુશીથી ઝુમી ઉઠ્યો હતો. હવે ફરી એ તક આવી છે. ક્રિકેટે હંમેશા આપણા દેશને એક કરવાનું કામ કર્યું છે. હવે, જ્યારે તમે ફાઇનલ મેચ માટે તૈયાર છો, ત્યારે સમગ્ર દેશ તમારી સાથે ઉભો છે અને તમારી સફળતા માટે શુભેચ્છા પાઠવે છે. તમને મારી હાર્દિક શુભેચ્છાઓ. તમારામાં વિશ્વ ચેમ્પિયન બનવાના તમામ ગુણો છે. મને પૂરો વિશ્વાસ છે કે ટીમ ઈન્ડિયા જીતશે. જય હિંદ!