Mohamed Muizzu: માલદીવ અને ભારત વચ્ચેના સંબંધો સતત બગડી રહ્યા છે. નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ સતત માલદીવમાંથી ભારતીય સેનાની હટાવવાની વાત કરી રહ્યા છે. આ દરમિયાન, માલદીવના રાષ્ટ્રપતિ કાર્યાલય તરફથી જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે માલદીવ સરકારે ભારતને માલદીવમાંથી તેના સૈન્ય કર્મચારીઓને ઔપચારિકરીતે પાછા ખેંચવા માટે વિનંતી કરી છે.
હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, પ્રેસ રિલીઝમાં જણાવાયું છે કે રાષ્ટ્રપતિ ડૉ. મોહમ્મદ મુઈઝુએ શનિવારે (18 નવેમ્બર) રાષ્ટ્રપતિ કાર્યાલય ખાતે ભારત સરકારના મંત્રી કિરેન રિજિજુ સાથેની તેમની મુલાકાત દરમિયાન ઔપચારિક રીતે આ વિનંતી કરી હતી. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ માલદીવના નવા રાષ્ટ્રપતિના કાર્યક્રમમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા પહોંચ્યા હતા. આ અગાઉ ભારતના વડાપ્રધાન આવા પ્રસંગોએ પોતાની હાજરીનો અહેસાસ કરાવતા રહ્યા છે.
નોંધનીય છે કે, માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ સત્તા સંભાળ્યા પછી તરત જ ભારત વિરુદ્ધ ઝેર ઓકવાનું શરૂ કર્યું. રાષ્ટ્રપતિ મુઈઝુએ શુક્રવારે ફરી એકવાર દેશમાંથી ભારતીય સૈનિકોને હટાવવાની વાત કરી. મુઈઝુએ ભારતનું નામ ન લીધું, પરંતુ પોતાના તમામ ચૂંટણી વચનો પૂરા કરવા કહ્યું. મુઈઝુના ચૂંટણી વચનોમાં માલદીવમાંથી ભારતીય સૈનિકો પાછા હટાવવાનો પણ સમાવેશ થાય છે. પદના શપથ લીધા બાદ તેમણે કહ્યું કે દેશમાં કોઈ વિદેશી સૈનિકો રહેશે નહીં.
એન્જિનિયરમાંથી રાજકારણી બનેલા મોહમ્મદ મુઈઝુએ શુક્રવારે માલદીવના આઠમા રાષ્ટ્રપતિ તરીકે ભારતીય કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ સહિત અનેક વિદેશી મહાનુભાવોની હાજરીમાં શપથ લીધા હતા. મુઈઝુ (45)એ 'રિપબ્લિકન સ્ક્વેર' ખાતે આયોજિત 'પીપલ્સ મજલિસ'ની વિશેષ બેઠકમાં પદના શપથ લીધા હતા. ચીફ જસ્ટિસ મુથાસિમ અદનને મુઈઝુને પદના શપથ લેવડાવ્યા હતા.