નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં નવી સરકારને લઇને સસ્પેન્સ યથાવત છે.  શિવસેનાએ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાની ઇચ્છા જાહેર કરી છે. શિવસેનાએ બે દિવસનો સમય માંગ્યો હતો પરંતુ  ગવર્નરે સમય આપવાનો ઇનકાર કર્યો છે. એવામાં રાજકીય સંકટ ઘેરાયું છે. બીજી તરફ કોગ્રેસ અને એનસીપીની બેઠકો બાદ શિવસેનાને સમર્થન આપવાની સ્થિતિ સ્પષ્ટ થઇ શકી નથી.


કોગ્રેસે મહારાષ્ટ્રના પોતાના નેતાઓ સાથેની બેઠક બાદ કહ્યું કે, શિવસેનાને સમર્થન આપવાને લઇને એનસીપી સાથે ચર્ચાની જરૂર છે. કોગ્રેસ વર્કિગ કમિટીની આજે સવારે  બેઠક યોજાઇ હતી અને મહારાષ્ટ્રની હાલની સ્થિતિ પર ચર્ચા થઇ હતી. ત્યારબાદ મહારાષ્ટ્ર કોગ્રેસના નેતાઓ સાથે પણ ચર્ચા થઇ હતી. કોગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ એનસીપી ચીફ શરદ પવાર સાથે વાતચીત કરી છે. કોગ્રેસે કહ્યું કે, પાર્ટીના વરિષ્ઠ નેતા મુંબઇ જઇને એનસીપી વડા શરદ પવાર અને કોગ્રેસના નેતાઓ સાથે વાતચીત કરીશું. ત્યારબાદ કોઇ નિર્ણય લેવામાં આવશે.

આજે લગભગ ત્રણ કલાક સુધી ચાલેલી કોગ્રેસની બેઠકમાં સમર્થન પર કોઇ નિર્ણય લેવાયો નહોતો. એનસીપી પણ કોગ્રેસની સહમતિ વિના શિવસેનાને સમર્થન આપશે નહી કારણ કે સરકાર બનાવવા માટે શિવસેનાને એનસીપી અને કોગ્રેસ બંન્ને પક્ષોનું સમર્થન જરૂરી છે.

રાજ્યપાલ સાથે મુલાકાત બાદ શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેએ કહ્યું અમે રાજ્યપાલને કહ્યુ કે શિવસેના સરકાર બનાવવા માટે તૈયાર છે. અમે રાજ્યપાલ પાસે બે દિવસનો સમય માંગ્યો હતો પરંતુ તેમણે વધુ સમય આપવાનો ઇનકાર કરી દીધો છે.