Mallikarjun Kharge On PM Modi: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ અદાણી-અંબાણી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન પર વળતો પ્રહાર કર્યો છે. ખડગેએ ટ્વીટ કરીને કહ્યું, સમય બદલાઈ રહ્યો છે. મિત્ર હવે મિત્ર નથી રહ્યો…! વાસ્તવમાં પીએમ મોદીએ તેલંગાણામાં રેલીને સંબોધિત કરતા રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું હતું કે 5 વર્ષ સુધી શહેજાદા અદાણી-અંબાણીનાં નામ જપતા હતા, પરંતુ જ્યારથી ચૂંટણી શરૂ થઈ ત્યારથી તેમણે નામ લેવાનું બંધ કરી દીધું.
ખડગેએ ટ્વીટ કરીને કહ્યું, સમય બદલાઈ રહ્યો છે. મિત્ર હવે મિત્ર નથી રહ્યો…! ચૂંટણીના ત્રણ તબક્કા પૂર્ણ થયા બાદ આજે વડાપ્રધાન પોતાના જ મિત્રો પર હુમલાખોર બન્યા છે તે દર્શાવે છે કે મોદીજીની ખુરશી હલી રહી છે. આ પરિણામોનું વાસ્તવિક વલણ છે.
શું કહ્યું પીએમ મોદીએ?
બુધવારે તેલંગાણાના કરીમનગરમાં ચૂંટણી રેલીને સંબોધતા પીએમ મોદીએ કોંગ્રેસને પૂછ્યું કે લોકસભા ચૂંટણીની તારીખ જાહેર થયા પછી અંબાણી અને અદાણીનું નામ લેવાનું કેમ બંધ કર્યું? પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટીએ ચૂંટણી માટે તે ઉદ્યોગપતિઓ પાસેથી કેટલા પૈસા મેળવ્યા છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કોંગ્રેસના શહજાદા છેલ્લા 5 વર્ષથી સવારે ઉઠતાની સાથે જ માળાનો જાપ શરૂ કરી દેતા હતા. જ્યારથી તેમનું રાફેલ વિમાન ગ્રાઉેન્ડેડ થયું છે. ત્યારથી તેણે નવી માળાનો જાપ શરૂ કર્યો. 5 વર્ષ સુધી એક જ માળા જપતા, '5 ઉદ્યોગપતિ', પછી ધીમે ધીમે 'અંબાણી', 'અદાણી' કહેવા લાગ્યા.
પીએમ મોદીએ કહ્યું, "પરંતુ જ્યારથી ચૂંટણી જાહેર થઈ ગઈ છે, તેઓએ અંબાણી અને અદાણીને ગાળો આપવાનું બંધ કરી દીધું છે." આજે હું તેલંગાણાની ધરતીને પૂછવા માગું છું? હું કોંગ્રેસના શહેજાદાને પૂછવા માંગુ છું કે, તેમને અદાણી અને અંબાણી પાસેથી કેટલો માલ મળ્યો છે? કાળામાણાના કોથળા ભરીને રુપિયા લીધા છે? એવી કઈ ડીલ થઈ છે કે તમે રાતોરાત અંબાણી અને અદાણીને ગાળો આપવાનું બંધ કરી દીધું? દાળમાં ચોક્કસપણે કંઈક કાળું છે.