President Remark Row: કોંગ્રેસના સાંસદોએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સમક્ષ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે 'અભદ્ર વર્તન'નો મુદ્દો ઉઠાવ્યો છે. અધીર રંજન ચૌધરી સહિતના કોંગ્રેસના સાંસદોએ લોકસભા અધ્યક્ષને પત્ર લખીને ભાજપના સાંસદો પર સોનિયા ગાંધી સાથે "દુર્વ્યવહાર" કરવાનો આરોપ મૂક્યો હતો અને આ બાબતને વિશેષાધિકાર સમિતિને મોકલવાની માંગ કરી હતી.


 


કોંગ્રેસના સાંસદોએ પત્રમાં કહ્યું છે કે ગૃહ સ્થગિત થયા બાદ જ્યારે સોનિયા ગાંધી અને અન્ય નેતાઓ બહાર જઈ રહ્યા હતા ત્યારે ભાજપના સાંસદોએ સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. જ્યારે સોનિયા ગાંધી આ મામલે રમા દેવી સાથે વાત કરી રહ્યા હતા ત્યારે ઘણા  સભ્યો ત્યાં આવી ગયા અને કોંગ્રેસ અધ્યક્ષને ઘેરી લીધા હતા. દરમિયાન તેઓએ સોનિયા ગાંધી સાથે ખરાબ વર્તન કર્યું હતું. તેઓને ઈજા પણ થઈ શકે છે. કોંગ્રેસના કેટલાક મહિલા સાંસદો કોઈક રીતે સોનિયા ગાંધીને ત્યાંથી લઇ ગયા હતા. અમે ગેરવર્તણૂક કરનારા સાંસદોને સસ્પેન્ડ કરવાની માંગ કરીએ છીએ. કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું હતું કે અમે સ્પીકરને કહ્યું કે આજે ગૃહમાં સોનિયા ગાંધી સાથે થયેલા ખરાબ વર્તનને જોતા તમે તેની તપાસ કરો અને તેમનું અપમાન કરનારાઓ સામે કાર્યવાહી કરો.


અધીર રંજન ચૌધરીના નિવેદન પર હોબાળો


નોંધનીય છે કે ગઇકાલે લોકસભાની કાર્યવાહી દરમિયાન અધીર રંજન ચૌધરીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને લઈને આપેલા વિવાદિત નિવેદનને લઈને ભારે હોબાળો થયો હતો. જેના કારણે આજે ગૃહમાં કોંગ્રેસ અને ભાજપના સાંસદો વચ્ચે ભારે હોબાળો થયો હતો. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે, "સોનિયા ગાંધીએ દેશના રાષ્ટ્રપતિના અપમાનને મંજૂરી આપી છે. સોનિયા ગાંધી અને કોંગ્રેસ આદિવાસી વિરોધી, દલિત વિરોધી અને મહિલા વિરોધી છે. રાષ્ટ્રપતિનું અપમાન કરવા બદલ માફી માંગવી જોઈએ.


કોંગ્રેસે ભાજપના સાંસદો પર આરોપ લગાવ્યા છે


આ પછી કોંગ્રેસ અધ્યક્ષ બીજેપી સાંસદો સાથે વાત કરવા ગયા. કોંગ્રેસનો આરોપ છે કે આ દરમિયાન સ્મૃતિ ઈરાનીના ઈશારે ભાજપના સાંસદોએ મહિલાઓના ગૌરવ અને ગરિમાને કલંકિત કર્યા છે. કોંગ્રેસના સાંસદ જયરામ રમેશે કહ્યું, "આજે લોકસભામાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની દ્વારા અત્યાચાર અને અપમાનજનક વર્તન કરવામાં આવ્યું, પરંતુ શું તેમને સ્પીકર બહાર કાઢશે? શું નિયમો માત્ર વિપક્ષ માટે છે?"