આજે મળેલી CWC ની બેઠક બાદ જયરામ રમેશે પત્રકારો સાથે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, 158 સભ્યો CWC ની બેઠકમાં હાજર રહ્યા હતા. આજે સરદાર વલ્લભભાઈ પટેલને લઈ વિશેષ પ્રસ્તાવ પસાર કરાયો છે. આવતીકાલે 2 ઠરાવો પસાર કરવામાં આવશે.
ગુજરાતમાં કૉંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનથી શરુઆત આજથી થઈ ગઈ છે. આશરે 64 વર્ષ બાદ ગુજરાતમાં આ અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે. કૉંગ્રેસનું આ અધિવેશન આજથી બે દિવસ સુધી ચાલશે. ગુજરાતથી કૉંગ્રેસના નવસર્જનનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સરદારના સાનિધ્યમાં CWCની બેઠક પૂર્ણ થઈ હતી.
અમારી અસલી શક્તિ દેશની એકતા-અખંડિતતા તથા સામાજિક ન્યાયની વિચારધારા છે
અમદાવાદમાં CWCની બેઠકના પ્રારંભે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું કે, કોંગ્રેસ 140 વર્ષના ઇતિહાસમાં જે પ્રાંતોમાંથી સૌથી વધુ શક્તિ મળી તેમાં ગુજરાત અવ્વલ છે. આજે અમે ફરી અહીંથી પ્રેરણા અને શક્તિ લેવા આવ્યા છીએ. અમારી અસલી શક્તિ દેશની એકતા-અખંડિતતા તથા સામાજિક ન્યાયની વિચારધારા છે.
રાષ્ટ્રીય અધિવેશનમાં લગભગ 170 નેતાઓ સામેલ થવાની સંભાવના છે. સૂત્રોના મતે કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં પસાર કરવામાં આવનારા પ્રસ્તાવો પર પણ ચર્ચા થઇ શકે છે. આશા છે કે સંગઠનમાં ફેરફાર સંબંધિત કેટલાક નિર્ણયો લેવામાં આવી શકે છે. જે હેઠળ કોંગ્રેસ જિલ્લા અધ્યક્ષોને વધુ અધિકાર આપી શકે છે અને તેમની જવાબદારી પણ નક્કી કરાશે. પાર્ટી આ વર્ષે અને આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઇને પોતાની રણનીતિને અંતિમ સ્વરૂપ આપી શકે છે.
કોંગ્રેસે જણાવ્યું હતું કે અમદાવાદ અધિવેશનનો વિષય "ન્યાયપથ: સંકલ્પ, સમર્પણ અને સંઘર્ષ" છે. 9 એપ્રિલે સાબરમતી નદીના કિનારે સાબરમતી આશ્રમ અને કોચરબ આશ્રમ વચ્ચે યોજાનારા અધિવેશનમાં 1,700થી વધુ ચૂંટાયેલા અને સહ-પસંદ કરાયેલા AICC સભ્યો હાજરી આપશે. આ સત્રમાં ઘણા મહત્વપૂર્ણ ઠરાવો પસાર થવાની અપેક્ષા છે.
આ વર્ષે મહાત્મા ગાંધીના પક્ષ પ્રમુખ બનવાની 100મી વર્ષગાંઠ અને સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ છે. બંને નેતાઓનો જન્મ ગુજરાતમાં થયો હતો. આ સંદર્ભમાં કોંગ્રેસનો ગુજરાત સાથે ઐતિહાસિક સંબંધ છે.
અમદાવાદમાં કોંગ્રેસની બેઠકના બીજા દિવસે આ સત્ર યોજાશે. રાષ્ટ્રીય અધિવેશન 9 એપ્રિલના રોજ સવારે 9 વાગ્યે અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે શરૂ થશે. કોંગ્રેસે આ સત્રને ન્યાયપથ નામ આપ્યું છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પવન ખેરાએ આ અંગે કહ્યું છે કે કોંગ્રેસ પાર્ટી ન્યાયના માર્ગે ચાલશે અને લોકોનો ટેકો મેળવશે. જેમ કોંગ્રેસે સ્વતંત્રતા માટે સખત મહેનત કરી હતી, તેવી જ રીતે પાર્ટી ગુજરાતમાં પણ સખત મહેનત કરશે અને સત્તામાં પાછી આવશે. ઉલ્લેખનીય છે કે 64 વર્ષ પછી ગુજરાતમાં પાર્ટીનું સંમેલન યોજાવા જઈ રહ્યું છે.
હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી CWCની બેઠકમાં હાજરી આપવા અમદાવાદ પહોંચ્યા હતા. રાજસ્થાન કોંગ્રેસના નેતાઓ સરદાર સ્મારક પહોંચ્યા હતા. થોડીવારમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પણ બેઠકમાં પહોંચશે. કોંગ્રેસ નેતાઓને લઈ બીજી બસ પણ સરદાર સ્મારક પહોંચી હતી
CWCની બેઠકને લઈ રાહુલ અને સોનિયા ગાંધી અમદાવાદ પહોંચ્યા હતા. કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં મહાસચિવ પ્રિયંકા ગાંધી હાજર રહેશે નહીં. અમદાવાદના સરદાર સ્મારક ખાતે મળશે કોંગ્રેસની CWCની બેઠક મળશે. અગાઉ બે વખત ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાઈ ચૂક્યું છે. સુરત અને ભાવનગરમાં અગાઉ રાષ્ટ્રીય અધિવેશન મળી ચૂક્યું છે
મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે
સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી અમદાવાદ એરપોર્ટ પર સવારે 9:00 વાગ્યાની આસપાસ પહોંચશે. મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ડીસીપી, એસીપી તેમજ બે પીઆઇ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ એરપોર્ટ પહોંચ્યા હતા.
આદિવાસી નૃત્ય સાથે રાહુલ અને સોનિયા ગાંધીનું સ્વાગત કરવામાં આવશે
અમદાવાદ એરપોર્ટ પર આદિવાસી નૃત્ય સાથે રાહુલ અને સોનિયા ગાંધીનું સ્વાગત કરવામાં આવશે. આદિવાસી ગામીત અને અન્ય સમાજના કલાકારો દ્વારા ઢોલ-શરળાઈના તાલે નૃત્ય કરવામાં આવી રહ્યું છે.
ગુજરાત કૉંગ્રેસના નેતાઓ અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ છે
8 અને 9 એપ્રિલે અમદાવાદમાં યોજાનારા રાષ્ટ્રીય અધિવેશનને લઈ ગુજરાત કૉંગ્રેસના નેતાઓ અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ છે. પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપ સરકાર પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે કેટલાક લોકો કરમસદના નામને ભૂંસવાનો પ્રયાસ કરી રહ્યા છે. શક્તિસિંહ ગોહિલના આરોપ પર ધારાસભ્ય યોગેશ પટેલે પલટવાર કર્યો કે, સરદાર સાહેબ વિશે બોલવાનો કૉંગ્રેસને અધિકાર નથી
રાષ્ટ્રીય અધિવેશનમાં હાજરી આપવા માટે કૉંગ્રેસના નેતાઓ અમદાવાદ આવી પહોંચ્યા હતા. શશી થરૂર, કે.સી.વેણુગોપાલ, અશોક ગહેલોત, અલકા લાંબા, ભૂપેશ બઘેલ સહિત કૉંગ્રેસના દિગ્ગજ નેતાઓ અમદાવાદ પહોંચ્યા હતા.
બ્રેકગ્રાઉન્ડ
અમદાવાદ: ગુજરાતમાં આશરે 64 વર્ષ બાદ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન 8 અને 9 એપ્રિલના રોજ અમદાવાદમાં યોજાવા જઈ રહ્યું છે. અમદાવાદમાં યોજાઈ રહેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં હાજરી આપવા માટે કોંગ્રેસ નેતાઓનું ગઇકાલથી અમદાવાદમાં આગમન થયું હતું. મલ્લિકાર્જુન ખડગે, કે. સી. વેણુગોપાલ, શશી થરૂર, અશોક ગેહલોત સહિતના નેતાઓ અમદાવાદ પહોંચ્યા હતા.
સવારે અમદાવાદ આવશે રાહુલ ગાંધી
સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી 8 એપ્રિલની સવારે અમદાવાદ આવી પહોંચશે. બે દિવસ દરમિયાન યોજાનારા કાર્યક્રમો માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. રાષ્ટ્રીય અધિવેશનમાં હાજરી આપવા આવી રહેલા 1800થી વધુ ડેલિગેટ્સના રહેવા માટે હોટલ અને આવવા-જવા માટે વાહનોની વ્યવસ્થા કરી દેવામાં આવી છે.
રિવરફ્રન્ટ ખાતે ભવ્ય સાંસ્કૃત્તિક કાર્યક્રમ
7 એપ્રિલની સાંજે 7 વાગ્યે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે એક ભવ્ય સાંસ્કૃત્તિક કાર્યક્રમથી થશે. આ કાર્યક્રમમાં દેશના વિવિધ રાજ્યોની કલા અને સંસ્કૃતિનું નિદર્શન કરવામાં આવશે, જે ભારતની વિવિધતામાં એકતાની ઝાંખી કરાવશે.
કૉંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક 8 એપ્રિલે
8 એપ્રિલે સવારે 11:30 વાગ્યે કૉંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક સરદાર પટેલ સ્મારક ખાતે યોજાશે. જેમાં સમગ્ર દેશના પ્રદેશ પ્રમુખ, વર્કિંગ કમિટીના સભ્યો, ધારાસભ્ય દળના નેતા, નેતા વિપક્ષ આવશે. સાંજે 7 વાગે અધિવેશન સ્થળ પર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.
9 એપ્રિલે અધિવેશનની બેઠક મળશે
9 એપ્રિલે સવારે 9:30 વાગ્યે અધિવેશનની બેઠક થશે. સૌપ્રથમ ફ્લેગ હોસ્ટિંગ થશે અને બાદમાં એજન્ડા પર ચર્ચા થશે. ઠરાવ પર ચર્ચા થશે. જે નેતાને વિષય પર અભિપ્રાય આપવો હોય તે ચિઠ્ઠી મોકલીને મોકલશે તો તેને તક આપવામાં આવશે.
8 એપ્રિલના રોજ સવારે 11 વાગ્યે શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલા સરદાર સ્મારક ખાતે કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની એક મહત્વપૂર્ણ બેઠક મળશે. આ બેઠકમાં પાર્ટીના રાષ્ટ્રીય સ્તરના મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા અને મંથન કરવામાં આવશે. આ દિવસે સાંજે 5 વાગ્યે કોંગ્રેસના તમામ મુખ્ય આગેવાનો અમદાવાદના ઐતિહાસિક ગાંધી આશ્રમમાં પ્રાર્થના સભામાં ભાગ લેશે. આ પ્રસંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત કોંગ્રેસ વર્કિંગ કમિટીના તમામ સભ્યો ઉપસ્થિત રહેશે.
અધિવેશનના મુખ્ય દિવસ એટલે કે 9 એપ્રિલના રોજ સવારે 9:30 કલાકે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન સાબરમતી રિવરફ્રન્ટ ખાતે શરૂ થશે. આ અધિવેશનમાં દેશભરના કોંગ્રેસના પ્રતિનિધિઓ ભાગ લેશે અને પાર્ટીની ભાવિ રણનીતિ અને કાર્યક્રમો અંગે ચર્ચા કરશે.
આ અધિવેશન 8 એપ્રિલે વિસ્તૃત કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠક સાથે શરૂ થશે, ત્યારબાદ 9 એપ્રિલના રોજ ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ના પ્રતિનિધિઓની બેઠક યોજાશે. આ બંને બેઠકોની અધ્યક્ષતા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કરશે. આ ઉપરાંત, કોંગ્રેસ સંસદીય પક્ષના અધ્યક્ષ સોનિયા ગાંધી, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ શાસિત રાજ્યોના તમામ મુખ્યમંત્રીઓ, રાષ્ટ્રીય પદાધિકારીઓ, વરિષ્ઠ નેતાઓ અને અન્ય AICC પ્રતિનિધિઓ પણ આ મહત્વપૂર્ણ બેઠકોમાં હાજર રહેશે.