મુંબઈ : મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકારનું સોમવારે મંત્રીમંડળના વિસ્તરણ કરવામા આવ્યું હતું. નવા મંત્રી મંડળમાં 36 નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે. મંત્રીમંડળ વિસ્તરણા હજુ એક દિવસ થયો છે ત્યાં વિરોધના સૂર જોવા મળી રહ્યાં છે. એનસીપીમાંથી એક કદાવર નેતાએ નારાજગી દાખવી રાજીનામું આપી દીધું છે. શિવસેનામાંથી તો સંજય રાઉતે પોતાની નારાજગી દેખાડી છે. રાઉતના ભાઈને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું નથી.

મંત્રીમંડળના વિસ્તરણના દિવસથી મહાવિકાસ અઘાડી સરકારમાં ડખા શરૂ થયા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓનું એક જૂથ મંત્રીમંડળથી ઘણું નારાજ જોવા મળી રહ્યું છે. પ્રણીતિ સુશીલ શિંદે, નસીમ ખાન, અમીન પટેલ, સંગ્રામ થોપટે જેવા નેતાઓએ રાજ્ય કમિટીની સામે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. નેતાઓનો આરોપ છે કે મલ્લિકાર્જુન ખડગેએ સોનિયા ગાંધીને ગુમરાહ કર્યા છે. નારાજ નેતાઓનું જૂથ દિલ્હી જઈને સોનિયા ગાંધીને મળવાની યોજના પણ બનાવી રહ્યું છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ નારાજ નેતાઓનો આરોપ છે કે ચૂંટણી પહેલાં પાર્ટી વિરોધી કામ કરનારાઓને મહત્વ આપવામાં આવ્યું અને કોંગ્રેસના વફાદારોને સાઈડલાઈન કરવામાં આવ્યા. મહારાષ્ટ્રના નવા મંત્રીમંડળમાં અજીત પવારે ડેપ્યુટી સીએમ પદે શપથ લીધા હતા.