નવી દિલ્હીઃ રાફેલ ડીલને લઇને કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યુ હતું કે, રાફેલ ફાઇટર પ્લેન બનાવનારી ફ્રાન્સની કંપની દસોલ્ટ એવિએશને સીઇઓએ કહ્યું હતું કે, અનિલ અંબાણીની કંપનીને ઓફસેટ પાર્ટનર એટલા માટે બનાવી કારણ કે તેમની પાસે જમીન હતી. કોગ્રેસ અધ્યક્ષે આરોપ લગાવ્યો હતો કે દસોલ્ટે અનિલ અંબાણીને 284 કરોડ રૂપિયા આપ્યા અને અંબાણીએ તેમાંથી જમીન ખરીદી હતી.
વડાપ્રધાન મોદી પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ કહ્યું કે, દસોલ્ટ ફક્ત મોદીને બચાવી રહી છે અને જો તપાસ થશે તો વડાપ્રધાન ટકી શકશે નહીં. તેમને રાત્રે ઉંઘ આવી રહી નથી, તે ટેન્શનમાં છે કે પકડાઇ જઇશું. રાહુલે દસ્તાવેજ બતાવીને આરોપ લગાવ્યો હતો કે દસોલ્ટે અનિલ અંબાણીની તે કંપનીને 284 કરોડ રૂપિયા આપ્યા જેની માર્કેટ કેપિટલાઇજેશન આઠ લાખ રૂપિયા હતી. રાહુલે કહ્યુ કે, દસોલ્ટે જે રૂપિયા આપ્યા તે રૂપિયાથી અનિલ અંબાણીએ જમીન ખરીદી. હવે દસોલ્ટના સીઇઓ કહી રહ્યા છે કે જમીન હોવાના કારણે અનિલ અંબાણીની કંપનીને કામ મળ્યું છે, એચએએલને નહીં. રાહુલે સવાલ કર્યો હતો કે દસોલ્ટે એક એવી કંપનીમાં પૈસા કેમ રોક્યા જે કોઇ કામ કરી રહી નથી અને લોસ મેકિંગ હતી.
રાહુલ ગાંધીએ કહ્યુ કે, રાફેલ ડીલમાં થયેલું કૌભાંડ ઓપન એન્ડ શટ કેસ છે. જેમાં બે વ્યક્તિની પાર્ટનરશીપ છે. અનિલ અંબાણી અને નરેન્દ્ર મોદીની પાર્ટનરશીપ છે. રાહુલે કહ્યું કે, જો વડાપ્રધાન મોદી તેમાં સામેલ ના હોત તો તેઓ તપાસ કરવાનું કહેત, સીબીઆઇ પાસે કરાવી લો, સુપ્રીમ કોર્ટ પાસે કરાવી લો. પરંતુ ચોકીદાર ચૂપ છે. નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે રાફેલ ડીલ પર દાખલ અરજી પર સુનાવણી કરતા મોદી સરકાર પાસે કિંમત સંબંધી જાણકારીઓ માંગી છે.