Sonia Gandhi Health Updates:  કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને દિલ્હીની હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ડોક્ટરોએ તેમને હાલ ઘરે આરામ કરવાની સલાહ આપી છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે ટ્વીટ કરીને આ જાણકારી આપી. સોનિયા ગાંધી 2 જૂને કોરોના વાયરસથી સંક્રમિત થયા  હતા.


12 જૂને દાખલ કરવામાં આવ્યાં હતા 
કોવિડ-19 પછીની મુશ્કેલીઓને કારણે તેમને 12 જૂને સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ અનુસાર, હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ જાણવા મળ્યું કે તેમને શ્વસન માર્ગમાં ચેપ છે.


કોંગ્રેસના મીડિયા  પ્રભારી જયરામ રમેશે સોનિયા ગાંધીની તબિયત વિશે જણાવ્યું હતું કે 12 જૂને તેમના નાકમાંથી લોહી આવતું હતું. જે બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. 




નાકમાંથી લોહી નીકળ્યું, શ્વાસ લેવામાં પણ સમસ્યા હતી 
કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે 17 જૂને માહિતી આપી હતી  અને સોનિયા ગાંધીની હેલ્થ અપડેટ જાહેર કર્યું. જેમાં તેણે કહ્યું કે સોનિયા ગાંધીને કોરોના થયા બાદ 12 જૂનના રોજ તેમના નાકમાંથી લોહી નીકળ્યું હોવાનું કહેવામાં આવ્યું. ત્યારબાદ તેમને દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. સોનિયા ગાંધીને હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ તરત જ તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી.


જયરામ રમેશના જણાવ્યા અનુસાર 16 જૂને ગુરુવારે સોનિયા ગાંધીને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. જયરામ રમેશે જણાવ્યું કે સોનિયા ગાંધીના શ્વસનતંત્રના નીચેના ભાગમાં ફંગલ ઇન્ફેક્શન જોવા મળ્યું છે. આ અને કોરોના પછી દેખાતા અન્ય લક્ષણોની સારવાર ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે 2 જૂનના રોજ સોનિયા ગાંધી કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા.


ED કરી શકે છે પૂછપરછ 
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ નેશનલ હેરાલ્ડ સાથે સંબંધિત કથિત મની લોન્ડરિંગ કેસમાં 23 જૂને પૂછપરછ માટે હાજર થવા માટે સોનિયા ગાંધીને નવેસરથી સમન્સ જારી કર્યા છે. સોનિયા ગાંધીને અગાઉ 8 જૂને હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ તેઓ કોરોના વાયરસથી સંક્રમિત હોવાને કારણે તેમણે તપાસ એજન્સી સમક્ષ હાજર થવા માટે નવી તારીખ માંગી હતી.