ઝારખંડના ત્રણ કૉંગ્રેસ ધારાસભ્યોની કારમાંથી કરોડો રૂપિયા મળી આવતા રાજનીતિ ગરમાઈ હતી. ત્યારે હવે આ જ મુદ્દે ઝારખંડ કૉંગ્રેસે મોટી કાર્યવાહી કરી છે. કોગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ કૉંગ્રેસના ત્રણ ધારાસભ્ય રાજેશ કચ્છપ, નમન વિક્સલ અને ઈરફાન અન્સારીને સસ્પેન્ડ કરી દીધા છે. ત્રણેય ધારાસભ્યોની કારમાંથી હાવડા પોલીસે 49 લાખની રોકડ જપ્ત કરી હતી. પોલીસની તપાસ દરમિયાન ત્રણેય ધારાસભ્યો એક કારમાં 49 લાખની રોકડ લઈને જામતાડા જઈ રહ્યા હતા. ત્યારે જ કારમાંથી 49 લાખની રોકડ જપ્ત કરવામાં આવી હતી. ધારાસભ્યોની કારમાંથી રોકડ મળતા પોલીસની ટીમે બેંકના અધિકારીઓનો સંપર્ક કર્યો હતો અને આ રોકડ ક્યાંથી લાવ્યા તે અંગે પૂછપરછ કરી હતી.






 


પાર્ટીના મહાસચિવ અને ઝારખંડ કોંગ્રેસના પ્રભારી અવિનાશ પાંડેએ કહ્યું હતું કે ત્રણ ધારાસભ્યોને તાત્કાલિક અસરથી પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે જે લોકો આમાં સામેલ હશે તેમને પણ સજા કરવામાં આવશે.


પ્રેસ કોન્ફરન્સમાં અવિનાશ પાંડેએ જણાવ્યું હતું કે, "ઝારખંડના કેટલાક ધારાસભ્યોને કોલકાતામાં પોલીસ દ્વારા ઘણી રોકડ સાથે પકડવામાં આવ્યા હતા. ધારાસભ્યોને ડરાવી-ધમકાવીને અને લાલચ આપીને સરકારને અસ્થિર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ભાજપના આ પ્રયાસની વિરુદ્ધમાં ભૂતકાળમાં એફઆઈઆર પણ નોંધવામાં આવી હતી. એક રાજ્યના મુખ્યમંત્રી ધારાસભ્યોનો સંપર્ક કરી રહ્યા છે, એક કેન્દ્રીય મંત્રી ધારાસભ્યોને ધમકી આપી રહ્યા છે.


અવિનાશે કહ્યું કે મહારાષ્ટ્રમાં સરકાર બદલાઈ પરંતુ એક મહિના પછી પણ કેબિનેટની રચના થઈ નથી. છત્તીસગઢમાં પણ એજન્સી દ્વારા સરકારને પરેશાન કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. રાજસ્થાનમાં પ્રયાસ કર્યો હતો. દિલ્હીમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસના મીડિયા ચીફ પવન ખેરા પણ હાજર રહ્યા હતા. તેમણે ભાજપ પર ગંભીર આરોપો પણ લગાવ્યા છે.


ઝારખંડમાં 'ઓપરેશન કમલ'નો પર્દાફાશઃ કોંગ્રેસ


પશ્ચિમ બંગાળમાં ઝારખંડના ત્રણ ધારાસભ્યો જંગી રોકડ સાથે પકડાયા પછી કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે રાજ્યમાં ગઠબંધન સરકારોને તોડી પાડવા માટેના 'ઓપરેશન લોટસ'નો પર્દાફાશ થયો છે. કોંગ્રેસે તેના રાજ્ય એકમ પાસેથી રિપોર્ટ માંગ્યો છે. જયરામ રમેશે ટ્વીટ કર્યું, "દિલ્હીમાં 'હમ દો'નો ગેમ પ્લાન ઝારખંડમાં કરવાનો છે જે તેઓએ ED જોડીને મહારાષ્ટ્રમાં કર્યો."