National Herald Case: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસના નેતાઓ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અન્યો સામે ચાર્જશીટ દાખલ કરી છે. જેને લઈને કોંગ્રેસ દેશભરમાં ઈડીની ઓફિસની બહાર વિરોધ પ્રદર્શન કરશે.

કોંગ્રેસ મહાસચિવ સંગઠન કેસી વેણુગોપાલે કહ્યું કે, "PM મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને સરકારની વિપક્ષ સામે બદલો લેવાની કોઈ સીમા નથી. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિરુદ્ધ રાજકીય રીતે પ્રેરિત અને બનાવટી નેશનલ હેરાલ્ડ કેસનો ઉપયોગ કરીને વિરોધનો અવાજ દબાવવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ વડાપ્રધાન અને ગૃહમંત્રીની હતાશાને દર્શાવે છે, જે લોકોને ચિંતાઓને દૂર કરવામાં   નિષ્ફળ ગયા છે અને સતત ધ્યાન ભટકાવવાની કોશિશ કરી રહ્યા છે."

'આ પરિવારે દેશ માટે લોહી વહાવ્યું'

કોંગ્રેસના નેતા કેસી વેણુગોપાલે કહ્યું, "એવું લાગે છે કે તેઓ (ભાજપ) ભૂલી ગયા છે કે આ એક એવો પરિવાર છે જેણે દેશ માટે પોતાનું લોહી વહાવ્યું છે. તેમની આ  યુક્તિઓ અને એજન્સીઓનો ઉપયોગ અમને  રોકી શકશે નહીં, પરંતુ તેનાથી વિનાશકારી  શાસન સામે અમારો સંકલ્પ વધારે  મજબૂત થશે."

કોંગ્રેસના નેતા કેસી વેણુગોપાલે જણાવ્યું હતું કે, "અમે બુધવારે (16 એપ્રિલ, 2025) દેશભરમાં ED કાર્યાલયોની બહાર વિરોધ પ્રદર્શન કરીશું અને આ પ્રકારની બદલો લેવાની અને ડરાવવાના રાજકારણ સામે  સખત વિરોધ નોંધાવીશું."   

કેન્દ્રીય તપાસ એજન્સી ED એ અત્યાર સુધીમાં AJL એટલે કે એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ અને યંગ ઇન્ડિયાની લગભગ 751.9 કરોડ રૂપિયાની મિલકતો જપ્ત કરી છે. આરોપ છે કે કરોડો રૂપિયાની આ મિલકત ગુનામાંથી મળેલા પૈસામાંથી ખરીદવામાં આવી હતી. ED એ દિલ્હી, મુંબઈ અને લખનૌમાં PMLA હેઠળ આ જપ્તીની કાર્યવાહી હાથ ધરી છે.

કોંગ્રેસ નેતૃત્વ ચૂપ નહીં રહે - જયરામ રમેશ કોંગ્રેસે આ કાર્યવાહીને બદલાની રાજનીતિ ગણાવી છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે જણાવ્યું હતું કે, "નેશનલ હેરાલ્ડની સંપત્તિ જપ્ત કરવી એ કાયદાના શાસનનો ઢોંગ કરીને રાજ્ય પ્રાયોજિત ગુનો છે. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને કેટલાક અન્ય લોકો સામે ચાર્જશીટ દાખલ કરવી એ વડાપ્રધાન અને ગૃહમંત્રી દ્વારા બદલાની રાજનીતિ અને ધાકધમકી સિવાય બીજું કંઈ નથી. કોંગ્રેસ અને તેનું નેતૃત્વ ચૂપ રહેશે નહીં. સત્યમેવ જયતે."