આર્થિક મંદી પર સરકાર સામે કોંગ્રેસ મોરચો માંડશે, 30 નવેમ્બરે રામલીલા મેદાનમાં કરશે મોટી રેલી
abpasmita.in | 15 Nov 2019 08:18 AM (IST)
હવે કોંગ્રેસે નિર્દેશ રજૂ કર્યો છે કે, આર્થિક મંદી અને બીજા મુદ્દાઓને લઇને સરકાર સામે પ્રદર્શનના કાર્યક્રમો 25 નવેમ્બર સુધી બ્લૉકથી લઇને રાજ્યસ્તર સુધી પુરા કરવામાં આવે
નવી દિલ્હીઃ આર્થિક મંદીને લઇને હવે સરકાર સામે કોંગ્રેસ બાયો ચઢાવશે, રિપોર્ટ પ્રમાણે મંદી મુદ્દે મોદી સરકાર સામે કોંગ્રેસ એક રેલી કરીને વિરોધ નોંધાવશે. રિપોર્ટ છે કે, દિલ્હીના રામલીલા મેદાનમાં આ રેલી યોજાશે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે કોંગ્રેસ આર્થિક મંદીને લઇને 30 નવેમ્બરે દિલ્હીના રામલીલા મેદાનમાં એક મોટી રેલી કરશે, અને સરકારની નીતિઓને લઇને વિરોધ નોંધાવશે. આ રેલીમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિતના નેતાઓ લોકોને સંબોધિત કરશે. સાથે મુખ્ય વિપક્ષી દળોના નેતાઓ પણ સામેલ થશે. હવે આર્થિક મોરચે સરકારને સંસદની અંદર અને બહાર બન્ને જગ્યાએ ઘેરવાની તૈયારીઓ છે. રિપોર્ટ પ્રમાણે, કોંગ્રેસ અને વિપક્ષ એકસાથે આવીને બેરોજગારી, મંદી, ખેડૂતોની આત્મહત્યા, બેન્કિંગ સિસ્ટમમાં ગરબડી સહિતના આર્થિક સંકટના મુદ્દાઓ પર દેશવ્યાપી પ્રદર્શન કરશે. આ પ્રદર્શન 1 લી ઓક્ટોબરે થવાનુ હતુ પણ મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીને લઇને પ્રદર્શનનો કાર્યક્રમ આગળ ખસેડવામાં આવ્યો હતો. હવે કોંગ્રેસે નિર્દેશ રજૂ કર્યો છે કે, આર્થિક મંદી અને બીજા મુદ્દાઓને લઇને સરકાર સામે પ્રદર્શનના કાર્યક્રમો 25 નવેમ્બર સુધી બ્લૉકથી લઇને રાજ્યસ્તર સુધી પુરા કરવામાં આવે.