નવી દિલ્હીઃ કોગ્રેસે સ્પષ્ટ કર્યુ હતું કે, લોકસભામાં તેમના સાંસદોની સંખ્યા નેતા વિપક્ષ પદ માટે ઓછી છે અને તે વિપક્ષના પદનો દાવો કરશે નહીં. છેલ્લી લોકસભામાં કોગ્રેસ પાસે ફક્ત 44 સાંસદો હતા જેથી પાર્ટીને વિપક્ષના નેતાનું પદ મળી શક્યું નહોતું. આ વખતે પણ નેતા વિપક્ષ માટે જરૂરી સાંસદોની સંખ્યાથી ઓછા સાંસદો હોવાના કારણે કોગ્રેસ તેનો દાવો નહીં કરે. કોગ્રેસ પાર્ટીના પ્રવક્તા રણદીપસિંહ સુરજેવાલાએ  સ્પષ્ટ કર્યુ  હતું કે, આ પ્રકારની માંગ પાર્ટી તરફથી કરવામાં નહી આવે.


સુરજેવાલાએ કહ્યું કે, પુરતી સંખ્યા ના હોવાના કારણે સરકાર પાસે અમે આવી કોઇ માંગ નહી  કરીએ. તેમણે કહ્યું કે, આ  સામાન્ય વ્યવસ્થા છે કે કુલ સાંસદની સંખ્યામાંથી 10 ટકા બેઠકો  કોઇ એક પાર્ટી પાસે  હોવી જોઇએ ત્યારબાદ નેતા વિપક્ષનો દરજ્જો મળી શકે છે. સંખ્યા બળની રીતે અમારી પાસે બે બેઠકો ઓછી છે. જોકે, એ સરકાર પર નિર્ભર કરે છે કે શું સંખ્યા  બળ ઓછું હોવા છતાં કોઇ એક પાર્ટીને મુખ્ય વિપક્ષ પાર્ટીનો  દરજ્જો આપવા માંગે છે કે નહીં.

નોંધનીય છે  કે આજે કોગ્રેસ સંસદીય  દળની બેઠક મળી હતી. બેઠકમાં સંસદીય દળના નેતા તરીકે સોનિયા ગાંધીને ચૂંટવામાં આવ્યા હતા. આ અગાઉ કોગ્રેસની  સંસદીય દળની બેઠકમાં રાહુલ ગાંધીએ નેતાઓનો ઉત્સાહ વધારતા કહ્યું કે, ભલે આપણી સંખ્યા 52ની છે. પરંતુ અમે સંસદમાં ભાજપ સામે એક-એક ઇંચ માટે લડીશું. આપણે 52 સાંસદોએ સાથે મળીને સંઘર્ષ કરવાનો છે.