લોકડાઉનનો સામનો કરી રહેલ મજૂરો, ખેડૂતો, અસંગઠિત કર્મચારીઓ અને નાના દુકાનદારોના મુદ્દાને લઈને કોંગ્રેસ મોદી સરકારને ઘેરવા જઈ રહી છે. જે લોકો ઇનકમ ટેક્સની વ્યાખ્યાથી બહાર છે એ તમામ પરિવારના ખાતામાં કેન્દ્ર સરકાર તરફથી દસ હજાર રૂપિયાની તાત્કાલીક મદદ પહોંચાડવાની માગને લઈને કોંગ્રેસ આજે 11થી 2 કલાકની વચ્ચે મોટા પાયે ઓનલાઈન અભિયાન ચલાવશે. કોંગ્રેસના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલને પત્ર અને વીડિયો કોન્ફર્સિંગ દ્વારા નિર્દેશ આપ્યા છે કે આ અભિયાનમાં તમામ કાર્યકર્તાઓને સામેલ થવું ફરજિયાત છે.
પાર્ટીએ ફેસબુક, ટ્વિટર, યૂટ્યૂબ, ઇન્સ્ટાગ્રામ જેવા જાણીતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક સાથે 50 લાખ કોંગ્રેસ કાર્યકર્તાઓને ઓનલાઈન લાવવાનો ટાર્ગેટ રાખ્યો છે. ઓનલાઈન અભિયાન દ્વારા કોંગ્રેસ ખેડૂતો, મજૂરો, નાના વેપારીઓ, અસંગઠિત ક્ષેત્રના કર્મચારીઓના મુદ્દાને ઉઠાવીને તેને સાધવાની કવાયતમાં છે. કોંગ્રેસ પોતાની માગને લઈને મોટા પાયે ટ્રેન્ડ સેટ કરવાનો પ્રયત્ન કરી રહી છે. માટે કોંગ્રેસે પોતાના પત્રમાં કહ્યું છે કે, અમે મુશ્કેલીમાં ફસાયેલા લોકોનો મુદ્દો ઉઠાવીશું અને કેન્દ્ર સરકારને અપીલ કરીશું કે લોકોની મદદ કરવા માટે પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ માગ પર વિચાર કરે. સાથે જ સરકાર પાસે માગ કરીશું કે ઇનકમ ટેક્સમાં ન આવતા હોય તેવા પરિવારના ખાતામાં દસ હજાર રૂપિયા તાત્કાલીક જમા કરાવવામાં આવે.