જો કોઈ વ્યક્તિ માત્ર અનામતનો લાભ લેવાના ઈરાદાથી ધર્માંતરણ કરે છે, તો તેને આ લાભ લેવાની મંજૂરી આપી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જે વ્યક્તિ નિયમ પ્રમાણે ચર્ચમાં જાય છે, પ્રાર્થના અને અન્ય ધાર્મિક વિધિઓમાં ભાગ લે છે અને ખ્રિસ્તી ધર્મની પરંપરાને અનુસરે છે તે પોતાને હિંદુ ગણાવીને અનુસૂચિત જાતિ હેઠળ અનામતનો લાભ મેળવી શકતો નથી.
જસ્ટિસ પંકજ મિત્થલ અને જસ્ટિસ આર મહાદેવનની ખંડપીઠે મદ્રાસ હાઈકોર્ટના 24 જાન્યુઆરી, 2023ના આદેશને પડકારતી સી.સેલ્વરાની અરજીને ફગાવી દેતા ટિપ્પણી કરી હતી કે ભારતમાં ધર્મનિરપેક્ષતાના સિદ્ધાંતની સાથે બંધારણની કલમ 25 હેઠળ દેશના દરેક નાગરિકને પોતાની સ્વતંત્ર ઇચ્છાથી ધર્મ અને માન્યતા પસંદ કરવાની અને તેની પરંપરાઓ અને માન્યતાઓને અનુસરવાની સ્વતંત્રતા છે.
શા માટે કોઈ ધર્મ પરિવર્તન કરે છે?
જ્યારે કોઈ અન્ય ધર્મના સિદ્ધાંતો, માન્યતાઓ, ફિલસૂફી અને પરંપરાઓથી ખરેખર પ્રભાવિત થાય છે પરંતુ કોઇ વ્યક્તિ પોતાના દિલમાં આસ્થા વિના ધર્માતરણ ફક્ત બીજા ધર્મ હેઠળ મળનારા અનામતના ફાયદા માટે કરી રહ્યો હોય તો બંધારણ અને ન્યાયતંત્ર તેની મંજૂરી આપી શકે નહીં, કારણ કે સાચી આસ્થા વિના આ પ્રકારનું ધર્મ પરિવર્તન એ માત્ર બંધારણ સાથેની છેતરપિંડી જ નહીં પરંતુ અનામત નીતિની સામાજિક ચિંતાને પણ પરાસ્ત કરનારું છે. તેનાથી અનામતના સામાજિક મૂલ્યોનો નાશ થશે.
સુપ્રીમ કોર્ટે મહિલાની અરજી ફગાવી દીધી હતી
પુડુચેરીની એક મહિલાની અરજીને ફગાવી દેતા સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી કરી છે. આ ખ્રિસ્તી મહિલાએ નોકરીમાં અનુસૂચિત જાતિ હેઠળ અનામતનો લાભ મેળવવા માટે તેમના ધર્માંતરણની માન્યતાની માંગ કરતી આ અરજી દાખલ કરી હતી.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે અરજદાર મહિલા ખ્રિસ્તી ધર્મની પરંપરાઓનું પાલન કરે છે. તે નિયમિતપણે ચર્ચમાં જાય છે અને ધાર્મિક વિધિઓમાં ભાગ લે છે, પરંતુ આ બધું હોવા છતાં તે પોતાને હિંદુ ગણાવીને નોકરીના હેતુઓ માટે અનુસૂચિત જાતિઓને આપવામાં આવેલા આરક્ષણનો લાભ લેવા માંગે છે. બંધારણીય સિદ્ધાંતોની દૃષ્ટિએ આ બિલકુલ યોગ્ય નથી. આ મહિલાના બેવડા દાવાને સ્વીકારી શકાય તેમ નથી.
અનામતનો લાભ આપી શકાય નહીં
ખ્રિસ્તી ધર્મનું પાલન કરતી વખતે તે પોતાને હિંદુ હોવાનો દાવો કરી શકતી નથી. તેમને અનુસૂચિત જાતિ અનામતનો લાભ આપી શકાય નહીં. અરજદાર સેલ્વરાનીએ મદ્રાસ હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને પુડુચેરીના જિલ્લા વહીવટીતંત્રને અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર જાહેર કરવાનો નિર્દેશ આપવા માંગ કરી હતી.