નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંધારણ દિવસની ઉજવણી પ્રસંગે સુપ્રીમ કોર્ટના કાર્યકર્માં વકીલો અને કર્મચારીઓને સંબોધિત કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે બંધારણ સભામાં ચર્ચા દરમિયાન બાબાસાહેબ આંબેડકરે કહ્યું હતું - બંધારણ માત્ર વકીલોનો દસ્તાવેજ નથી. તેની ભાવના હંમેશા યુગની ભાવના છે.






સુપ્રીમ કોર્ટના કાર્યક્રમમાં સંવિધાન દિવસની ઉજવણી પર બોલતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, "આ ભારતીય બંધારણનું 75મું વર્ષ છે. આ દેશ માટે ખૂબ જ ગર્વની વાત છે. હું બંધારણ અને બંધારણસભાના તમામ  સદસ્યોને નમન કરું છું. આપણે એ નહીં ભૂલી શકીએ કે  આજે મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલાની વરસી છે. જે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા, હું તેમને શ્રદ્ધાંજલિ આપું છું. હું દેશના સંકલ્પને ફરી પુનરાવર્તિત કરવા માંગુ છું કે, દેશની સુરક્ષાને પડકારનારા તમામ આતંકવાદી સંગઠનોને જડબાતોડ જવાબ આપવામાં આવશે." 


પ્રધાનમંત્રી મોદીએ મંગળવારે કહ્યું કે આપણા બંધારણના ઘડવૈયાઓ જાણતા હતા કે ભારતની આકાંક્ષાઓ, ભારતના સપના સમયની સાથે નવી ઊંચાઈએ પહોંચશે, તેઓ જાણતા હતા કે સ્વતંત્ર ભારત અને ભારતના નાગરિકોની જરૂરિયાતો બદલાશે, પડકારો બદલાશે... તેથી જ તેઓ આપણા બંધારણને માત્ર કાયદાના પુસ્તક તરીકે ન રાખ્યું, પરંતુ તેને જીવંત, નિરંતર વહેતો પ્રવાહ બનાવ્યો. 


બંધારણ આપણા વર્તમાન અને ભવિષ્ય માટે માર્ગદર્શક


પીએમ મોદીએ કહ્યું, “આપણું બંધારણ આપણા વર્તમાન અને ભવિષ્ય માટે માર્ગદર્શક છે. આજે દરેક દેશવાસીને એક જ ધ્યેય છે - વિકસિત ભારતનું નિર્માણ કરવું. ભારતીયોને ઝડપી ન્યાય મળે તે માટે એક નવો ન્યાયિક સંહિતા લાગુ કરવામાં આવી છે. સજા આધારિત વ્યવસ્થા હવે ન્યાય આધારિત વ્યવસ્થામાં બદલાઈ ગઈ છે. 


વડાપ્રધાન મોદીએ કહ્યું કે તમામ દેશવાસીઓને બંધારણ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભારતના બંધારણનું આ 75મું વર્ષ સમગ્ર દેશ માટે ખૂબ જ ગૌરવનો દિવસ છે.