બેંગ્લુરુઃ કર્ણાટક હાઈકોર્ટમાંથી કોંગ્રેસને મોટી રાહત મળી છે. કોર્ટે કોગ્રેસ પક્ષ સાથે સંકળાયેલ ટ્વિટર અને ભારત જોડો માર્ચ સાથે સંબંધિત ટ્વિટર હેન્ડલને બ્લોક કરવાનો આદેશ પર રોક લગાવી છે. મંગળવારે યોજાયેલી સુનાવણી બાદ કર્ણાટલ હાઇકોર્ટે સિવિલ કોર્ટના આદેશને રદ કર્યો હતો. સિવિલ કોર્ટે કોંગ્રેસ અને ભારત જોડો યાત્રાના ટ્વિટર હેન્ડલને બ્લોક કરવાનો આદેશ આપ્યો હતો. કોંગ્રેસ પર આરોપ હતો કે ભારત જોડો યાત્રા માટે બનાવવામાં આવેલા વીડિયોમાં KGF-2ના ગીતોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.






કોંગ્રેસે આ અંગે ટ્વિટ કરીને કહ્યું હતું કે બેંગલુરુની એક કોર્ટે IAC ઈન્ડિયા અને ભારત જોડો યાત્રાના ટ્વિટર હેન્ડલને બ્લોક કરવાનો આદેશ આપ્યો છે. કર્ણાટક હાઈકોર્ટે આ આદેશ પર રોક લગાવી છે. અમે માનનીય કોર્ટનો આભાર માનીએ છીએ અને અમે કોર્ટના નિર્દેશોનું પાલન કરીશું. અમે સામાન્ય લોકો માટે લડતા રહીશું, તેમનો અવાજ બનીને રહીશું.






અગાઉ બેંગલુરુ સિટી ડિસ્ટ્રિક્ટની વિશેષ અદાલતે સોમવારે માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટરને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC) અને તેની 'ભારત જોડો યાત્રા'ના ટ્વિટર હેન્ડલને સુનાવણીની આગામી તારીખ સુધી 'બ્લોક' કરવાનો નિર્દેશ આપ્યો હતો.


કોર્ટે કોંગ્રેસ દ્વારા પોસ્ટ કરવામાં આવેલી 3 ટ્વિટને હટાવવાનો પણ આદેશ આપ્યો હતો. કોર્ટે એમઆરટી મ્યુઝિક દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર આદેશ કર્યો હતો. આ કંપની ફિલ્મ 'કેજીએફ-2'ના 'સાઉન્ડ ટ્રેક'ના કોપીરાઈટ ધારક છે.


સિવિલ કોર્ટના આદેશ સામે કોંગ્રેસ કર્ણાટક હાઈકોર્ટમાં ગઈ હતી. કોંગ્રેસ તરફથી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી હાજર રહ્યા હતા અને દલીલો કરી હતી. સિંઘવીએ દલીલ કરી છે કે 45 સેકન્ડની ક્લિપને કારણે કોંગ્રેસ અને ભારત જોડો યાત્રાના આખા ટ્વિટર હેન્ડલને બ્લોક કરવા જોઇએ નહીં. તેમણે એમ પણ કહ્યું કે સ્થાનિક કોર્ટનો આ આદેશ એકતરફી છે. સિંઘવીએ કહ્યું હતું કે કોઈપણ પૂર્વગ્રહ વિના, અમે ટ્વિટર હેન્ડલ અને અન્ય તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી કથિત વિવાદાસ્પદ સામગ્રીને દૂર કરીશું અને ભવિષ્યમાં તેનો ઉપયોગ કરવાનો અમારો કોઈ ઈરાદો નથી.


હાઈકોર્ટે આદેશમાં કોંગ્રેસને નિર્દેશ આપ્યો હતો કે આવતીકાલ સુધીમાં તેના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી તમામ કોપીરાઈટેડ સામગ્રી દૂર કરવામાં આવે.  જેમાં ટ્વિટર, ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામનો સમાવેશ થાય છે.


નોંધનીય છે કે કોંગ્રેસ વિરુદ્ધ કોપીરાઈટ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. KGFના નિર્માતાઓએ આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસ દ્વારા ભારત જોડો યાત્રા માટે તૈયાર કરવામાં આવેલા માર્કેટિંગ વીડિયોમાં તેમની ફિલ્મના ગીતોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.