Coromandel Express Accident: રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ઓરિસ્સામાં ટ્રેન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે મૃતકોના પરિજનો માટે રૂ. 10 લાખ, ગંભીર રીતે ઘાયલ મુસાફરો માટે રૂ. 2 લાખ અને સામાન્ય ઇજાગ્રસ્તોને રૂ. 50,000નું વળતર આપવાની જાહેરાત કરી છે.
અશ્વિની વૈષ્ણવે ટ્વીટ કર્યું કે તેઓ ઓરિસ્સા જઈ રહ્યા છે. ભુવનેશ્વર અને કોલકાતાથી પણ રેસ્ક્યુ ટીમો એકત્ર કરવામાં આવી છે. NDRF, રાજ્ય સરકાર અને એરફોર્સની ટીમો સ્થળ પર હાજર છે. તેમણે કહ્યું કે બચાવ કામગીરી માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવશે.
પીએમ મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું
PM મોદીએ ઓરિસ્સા ના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે તેઓ ઓરિસ્સામાં ટ્રેન દુર્ઘટનાની ઘટનાથી દુઃખી છે. દુઃખની આ ઘડીમાં મારા વિચારો શોકગ્રસ્ત પરિવારો સાથે છે. ઘાયલોને જલ્દી સ્વસ્થ થવાની કામના. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે વાત કરી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો. દુર્ઘટના સ્થળ પર બચાવ કાર્ય ચાલી રહ્યું છે અને અસરગ્રસ્ત લોકોને શક્ય તમામ મદદ કરવામાં આવી રહી છે.
ઓરિસ્સા ટ્રેન અકસ્માતને લઈ ઈમરજન્સી નંબર જાહેર, 50 મુસાફરોના મોત
કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન બાલાસોર જિલ્લાના બહાનાગા રેલવે સ્ટેશન નજીક પાટા પરથી ઉતરી જવાને કારણે દુર્ઘટના ગ્રસ્ત થઈ હતી. આ અકસ્માતમાં 50થી વધુ લોકોના મોત થયાના સમાચાર છે, જ્યારે 200થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. ઓડિશાના મુખ્ય સચિવે જણાવ્યું કે 132 ઘાયલ મુસાફરોને સોરો અને ગોપાલપુર સીએચસીમાં ખસેડવામાં આવ્યા છે. ગંભીર રીતે ઘાયલ મુસાફરોને સારવાર માટે રીફર કરવામાં આવશે.
બચાવ કામગીરી માટે ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. SDRFની ટીમો પણ સ્થળ પર હાજર છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર કોરોમંડલ એક્સપ્રેસના ચાર ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. તેમણે કહ્યું કે આ દુર્ઘટના બહાનાગા બજાર સ્ટેશન પાસે સાંજે લગભગ 7.20 વાગ્યે થઈ હતી. વિશેષ રાહત કમિશનરના કાર્યાલયે જણાવ્યું હતું કે, બાલાસોરના કલેક્ટરને પણ તમામ જરૂરી વ્યવસ્થા કરવા માટે સ્થળ પર પહોંચવા અને રાજ્ય સ્તરેથી કોઈ વધારાની મદદની જરૂર હોય તો SRCને જાણ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.