Coromandel Express Accident: ઓડિશાના બાલાસોરમાં શુક્રવારે (2 જૂન) સાંજે થયેલા અકસ્માતમાં પીએમ મોદી એક્શન મોડમાં આવ્યા છે, તેમણે અત્યાર સુધીના બચાવ કાર્ય વિશે જાણવા માટે એક મીટિંગ બોલાવી છે.
NDRF, ભારતીય સેના, ભારતીય વાયુસેના, સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફોર્સ, આર્મી મેડિકલ કોર્પ્સ અકસ્માત સ્થળે બચાવ અને રાહત કામગીરી કરી રહ્યા છે. કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને રાજ્યના સીએમ નવીન પટનાયકે શનિવારે (3 જૂન) સવારે ઘટનાસ્થળની મુલાકાત લીધી છે, રેલ્વે મંત્રીએ આ ઘટનાની ઉચ્ચ સ્તરીય સ્વતંત્ર તપાસના આદેશ આપ્યા છે.
ઓડિશા અકસ્માત બાદ PM મોદીએ કાર્યક્રમ કર્યો રદ
ઓડિશાના બાલાસોરમાં ત્રણ ટ્રેનો અકસ્માતનો ભોગ બની હતી, જેમાં 233 લોકોના મોત થયા છે જ્યારે 900 લોકો ઘાયલ થયા છે. અકસ્માતને લઈને સમગ્ર દેશમાં શોકનું મોજું ફેલાઈ ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને દેશના અનેક નેતાઓએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.
અકસ્માતની ગંભીરતાને જોતા વડાપ્રધાનના કાર્યક્રમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર, પીએમ મોદી શનિવારે મુંબઈ-ગોવા માટે પહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપવાના હતા. જે મોકૂફ રાખવામાં આવી છે. આ દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા પીએમએ ટ્વીટ કર્યું અને રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે પણ વાત કરી.
રેલવે અધિકારીએ શું કહ્યું?
સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, એક રેલવે અધિકારીએ જણાવ્યું કે હાવડા જતી 12864 બેંગલુરુ-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસના ઘણા ડબ્બા બહાનાગા બજારમાં પાટા પરથી ઉતરી ગયા અને અન્ય ટ્રેક પર પડ્યા. આ પાટા પરથી ઉતરી ગયેલા કોચ 12841 શાલીમાર-ચેન્નઈ કોરોમંડલ એક્સપ્રેસ સાથે અથડાયા હતા અને તેના કોચ પણ પલટી ગયા હતા. અધિકારીએ જણાવ્યું હતું કે, કોરોમંડલ એક્સપ્રેસના ડબ્બા પાટા પરથી ઉતર્યા બાદ માલસામાન ટ્રેન સાથે અથડાયા હતા, જેના કારણે ગુડ્સ ટ્રેન ક્રેશ થઈ ગઈ હતી.
અકસ્માત બાદ વળતરની જાહેરાત
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવથી લઈને ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. આ સાથે વિપક્ષી દળોમાં કોંગ્રેસના નેતાઓએ પણ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. સાથે જ આ દર્દનાક અકસ્માત અંગે વળતરની પણ જાહેરાત કરવામાં આવી છે. ટ્રેન દુર્ઘટનામાં ઘાયલ થયેલા ઘણા લોકોને સોરો, ગોપાલપુર અને ખંટાપાડા આરોગ્ય કેન્દ્રોમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે ઘણા લોકોને બાલાસોર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.