Odisha Train Accident:  2 જૂને ઓડિશામાં બનેલી ખૂબ જ દર્દનાક ટ્રેન દુર્ઘટનાને ભૂલવી સરળ નથી. આ અકસ્માતમાં 275 લોકોએ જીવ ગુમાવ્યા હતા, પરંતુ ત્રણ દિવસ પછી પણ 100થી વધુ મૃતદેહોની ઓળખ થઈ શકી નથી. અકસ્માત અંગે માહિતી આપતાં એક અધિકારીએ જણાવ્યું હતું કે, અકસ્માતમાં માર્યા ગયેલા લોકોમાંથી 101 મૃતદેહોની ઓળખ કરવાની હજુ બાકી છે.






એએનઆઈ સાથે વાત કરતા પૂર્વ મધ્ય રેલવેના ડિવિઝન રેલવે મેનેજર રિંકેશ રોયે જણાવ્યું હતું કે લગભગ 200 લોકો હજુ પણ ઓડિશાની વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે.


900 ઘાયલોને રજા આપવામાં આવી






ડિવિઝન રેલવે મેનેજર રિંકેશ રોયે જણાવ્યું હતું કે ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં લગભગ 1,100 લોકો ઘાયલ થયા હતા, જેમાંથી 900 લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી હતી. આ સિવાય ઓડિશાની ઘણી હોસ્પિટલમાં લગભગ 200 લોકોની સારવાર ચાલી રહી છે. આ અકસ્માત ઓડિશાના બાલાસોરમાં થયો હતો જેમાં બે એક્સપ્રેસ ટ્રેન અને 1 ગુડ્સ ટ્રેન વચ્ચે ટક્કર થઇ હતી. આ દુ:ખદ ઘટનાની સમગ્ર ભારત પર ઊંડી અસર પડી છે.


55 મૃતદેહો સંબંધીઓને સોંપવામાં આવ્યા


ભૂવનેશ્વર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર વિજય અમૃત કુલંગેએ ANIને જણાવ્યું હતું કે ભૂવનેશ્વરની હોસ્પિટલમાં રાખવામાં આવેલા કુલ 193 મૃતદેહોમાંથી 80 મૃતદેહોની ઓળખ કરવામાં આવી છે. 55 મૃતદેહો પરિજનોને સોંપવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે BMCના હેલ્પલાઈન નંબર પર 200 થી વધુ કોલ આવ્યા હતા.


ઓડિશામાં 2 જૂનના રોજ આ અકસ્માત થયો હતો જ્યારે શાલીમાર-ચેન્નઈ કોરોમંડલ એક્સપ્રેસ માલગાડી ટ્રેન સાથે અથડાઈ હતી, જેના કારણે ઘણા ડબ્બા નજીકના ટ્રેક પર ઉતરી ગયા હતા. આ પછી બીજા ટ્રેક પર યશવંતપુરથી હાવડા જતી હાવડા એક્સપ્રેસ કોરોમંડલના કોચ સાથે ટકરાઇ હતી.  અકસ્માતના બીજા દિવસે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાલાસોર ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું હતું અને હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઘાયલોને પણ મળ્યા હતા.