CBI FIR On Odisha Train Accident: ઓડિશાના બાલાસોરમાં થયેલા ભયાનક ટ્રેન અકસ્માતની તપાસની જવાબદારી સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) ને સોંપવામાં આવી છે. સીબીઆઈએ ટ્રેન દુર્ઘટનામાં એફઆઈઆર નોંધીને તપાસ શરૂ કરી છે. ટ્રેન દુર્ઘટનાની તપાસ માટે સીબીઆઈ અધિકારીની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.






સીબીઆઈએ આ મામલામાં ઓડિશાના બાલાસોર ટ્રેન અકસ્માતમાં એક એફઆઇઆર આઇપીસીની કલમ 337, 338, 304 એ, 34, 153, 154, 175 રેલવે એક્ટ સેક્શનમાં નોંધી છે. સીબીઆઈ આ સંબંધમાં અથવા આ એફઆઈઆરમાં લગાવાયેલી કલમો અંગે મંગળવારે (6 જૂન) બપોર સુધીમાં સત્તાવાર માહિતી જાહેર કરી શકે છે.






સમાચાર એજન્સી અનુસાર, ખુર્દા રોડ ડિવિઝનના ડીઆરએમ રિનતેશ રેએ સીબીઆઈ તપાસ શરૂ થવાની પુષ્ટી કરી છે. અગાઉ રેલવે સેફ્ટી કમિશનર શૈલેષ કુમાર પાઠકે અકસ્માત સ્થળની મુલાકાત લીધી હતી, તેમણે બહાનગા બજાર રેલવે સ્ટેશનના કંટ્રોલ રૂમ, સિગ્નલ રૂમ અને સિગ્નલ પોઈન્ટનું નિરીક્ષણ કર્યું હતું. આ સિવાય બાલાસોરમાં રેલ્વે પોલીસે 3 જૂને અકસ્માત અંગે આઈપીસી અને રેલ્વે એક્ટની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો હતો.






કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષોએ આ કેસની તપાસ સીબીઆઈને સોંપવા પર સવાલો ઉઠાવ્યા છે. જો કે, અધિકારીઓનું કહેવું છે કે પ્રાથમિક તપાસમાં પુરાવા મળ્યા છે કે સિસ્ટમમાં ઇરાદાપૂર્વક છેડછાડ કરવામાં આવી હતી, જે પછી એક પ્રોફેશનલ એજન્સી દ્વારા તપાસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રેલવે અધિકારીઓએ અગાઉ પણ ટ્રેકમાં 'તોડફોડ' અને 'ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ સિસ્ટમ' સાથે ચેડા થવાની આશંકા વ્યક્ત કરી હતી.






પ્રારંભિક તપાસ બાદ ઓડિશા અકસ્માત પાછળ સિગ્નલ ઇન્ટરફેરેન્સને અકસ્માતનું કારણ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, રેલવેએ સ્ટેશન રિલે રૂમ અને કમ્પાઉન્ડ હાઉસિંગ સિગ્નલિંગ ડિવાઇસની સલામતી માટે તમામ ઝોનલ હેડક્વાર્ટરને માર્ગદર્શિકા જાહેર કરી છે અને સુરક્ષા અભિયાન પણ શરૂ કર્યું છે, જેમાં ડબલ લોકિંગ વ્યવસ્થાનો સમાવેશ થાય છે.